80 - સૃષ્ટિસૌંદર્યની મન ઉપર થતી અસર / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


(માલિની)
મધુર મધુ થંડો વાય છે વાયુ આજે,
પરમ વિમલ શોભા ચન્દ્રિકાની વિરાજે;
અનુકુળ સઘળી છે હર્ષની આજ ચીજો,
અવસર નહિ આવે આ સમો કોઈ બીજો.

(અનુષ્ટુપ)
વધતું કહીને શાને વ્યર્થ મારે વધારવું ?
ફરવાને જવા ચાહું પ્રિયે ! આપે પધારવું.

(મંદાક્રાંતા)
વ્યાપ્યો આખા વપુ મહીં સુણી હર્ષ અત્યંત એને,
આવી સારી ઋતુમહિં નહીં થાય આનંદ કેને !
“થંડી વાશે પ્રિય પતિ, કદી તો પછી કેમ થાશે”
બાંધ્યો એવું કહિ – હસિ- મને પ્રેમથી હસ્તપાશે.

(રથોદ્દતા)
સજ્જ એ ઝડપથી થઇ રહી, નીકળ્યાં સુખદતા મને વહી,
મંદ મંદ પ્રિય સાથ જાઉં છું, વાટમાં સરસ કાંઈ ગાઉં છું.

(પુષ્પિતાગ્રા)
રસિક સમજીને પ્રમોદ પામી, નયનથી જોઈ રહી જ મારી સામી;
કર મહિં કરને નખાવી ચાલે, પ્રણય થાકી પતિને પ્રિયા નિહાલે.

(વસંતતિલકા)
દેખાવ તો બહુ જ સુંદર આસપાસ,
શી ચંદ્રિકા ! કુસુમદામનિ શી સુવાસ !
આનંદ એ પ્રિયતણો વધતો જ ચાલ્યો
ને છૂટથી પ્રસરિને મન માંહિ માલ્યો.

(અનુષ્ટુપ)
થવા લાગી મને ચિંતા, કેમ આનું હવે કરું ?
હદથી વધતાં હર્ષ, પરિણામ થશે ખરું !

(મંદાક્રાંતા)
આવી ત્યાં તો વિકટ તરુની એક વિસ્તીર્ણ ઝાડી,
રે’તા જેમાં દિવસ સમયે નીચ લોકો અનાડી;
તેમાં શાથી કંઇ પડી ગયો વાતમાંહી વિરોધ,
આવ્યો તેના પર મન થકી તુર્ત અત્યંત ક્રોધ.

(અનુષ્ટુપ)
વિનોદ સઘળો એ ક્યાં કોણ જાણે શમી ગયો;
વાતચીત પડી બન્ધ સ્વર છેક નમી ગયો.

(સ્વાગતા)
વાર તો બહુ ગઈ ન હતી જ્યાં એ પ્રદેશ થકી મુક્ત થયાં ત્યાં.
અંધકાર ટળતાં અજવાળું, એ સુશોભિત બહૂજ નિહાળું.

(સોરઠો)
મન્દ સ્વરથી એક નાળું ત્યાં વહેતું હતું;
તે દેખીને છેક સર્વે તર્ક ફરી ગયો.

(સ્વાગતા)
ત્યાં સુધી “કદરહીન બહુ છે” વાક્ય એ ઉચરતો દુઃખમાં હું;
“એ જ એ જ જગ માંહિ સહુ છે” એમ શબ્દ નિકળ્યા મુખમાં ત્યાં.

(પુષ્પિતાગ્રા)
જગત બધું બહૂ જ શાંત લાગે, અતિશય દૂર પ્રસન્ન વીણ વાગે;
ગગન પણ ખુશી જણાય છે આ, પવન મનોહર રાગ ગાય છે હા !

(અનુષ્ટુપ)
મસ્તકે પડવા માંડ્યાં શીત અમૃતનાં કણો;
શાંત કોપ થયો મારો તથા હર્ષ વધ્યો ઘણો.

(વસંતતિલકા)
પ્રાણપ્રિયા મુજથકી હતી દૂર થોડી,
ત્યાં હું ગયો હૃદય સાથ જ તુર્ત દોડી;
દર્શાવિને નયનથી સહુ ફેરફાર,
છાતી સમી કરી રહ્યો ધરી થોડીવાર.

(દૂહો)
અશ્રુ આવ્યાં આંખમાં, થયો ગળગળો સાદ !
પુરૂં બોલી નહિ શક્યો- ‘પ્રાણ-ક્ષમા-પ્રસાદ !’

(અનુષ્ટુપ)
લજ્જા તેણે તજી દીધી સ્વસ્થ તુર્ત મને કર્યો;
બાલાએ બાલચેષ્ટાથી ચિત્તના ખેદને હર્યો.

(ગીતિ)
શૂં શૂં ચેષ્ટા કીધી, તે વર્ણવવૂં નહીં ઉચિત ધારૂં;
અનુભવરસિકો સમજે, બીજાને શૂં જણાવવૂં વારૂં!


0 comments


Leave comment