34 - પ્રણયવચન માટે પ્રાર્થના / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


(મિસિઝ બ્રાઉનિંગનાં એક કાવ્ય ઉપરથી)

કહે, કે ચાહે છે : ફરી ફરી કહે, કે જિગરથી
મને ચાહે છે તું : કવિવર! સુખેથી વચન એ
લખ્યું કાવ્યે તેવું પરભૃત તણું કૂજન બને !

વિચારી લે, વ્હાલા ! રસમય ટહૂકા વગર એ
નદીતીરે, ખીણે, અગર ગિરિપૃષ્ઠસ્થિત વને,
બધી લીલા સાથે નહિ કદી વસંત પ્રગટતી!

પડ્યાં દૈવી જેવાં મધુર વચનો કૈં શ્રુતિ પરે,
હતી અંધારે ત્યાં; પ્રિયતમ ! પ્રતીતિ નહિ થતાં
તને ચાહું છું, એ ફરી પણ કહે, એમ વિનવું.

કહે માટે, ચાહું, જિગર થકી ચાહું, પ્રસરતી
ભલે વાણી એ તો રજત જ ઝણકાર સરખી,
અને એકાંતોમાં પણ નહિ જતો માત્ર વિસરી!


0 comments


Leave comment