33 - અગતિ ગમન / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


બધા ઝાંખા તારા, વિધુ પણ મહીં તેજ ન મળે,
થયેલું અંધારું પથિક તરુછાયાથી સઘળે;
નહીં ચાલે તેમાં ચરણ, દિલ તો દૂર ફરતું,
સખે ! બીજે તો ક્યાં ? પ્રિય હૃદયની પાસ સરતું !

નથી તેં શું ક્યારે ક્ષણ વિરલ એવી અનુભવી ?
“સ્ફુરંતી ઊંડાણે” “અસર સહસા અદભુત” નવી :
વિચારો રેલીને પ્રણયરસ સર્વત્ર ઉભરે,
અને ન્હાતાં ન્હાતાં હૃદય હૃદયાલિંગન કરે !

બને ત્યારે આંખો મૃદુલ શિશુના સ્વપ્ન સમ, ને
જતી ભાસે સ્વર્ગે સહજ શિરના સ્વલ્પ નમને !
ફરી પાછું હૈયું ક્ષણ અવરમાં વાસ વસતું,
અને અંધારાથી ચરણ સમજી શીઘ્ર ખસતું !


0 comments


Leave comment