98 - કાંતની સ્મરદશા / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


(રાગ ભૈરવી : તાલ ત્રિતાલ)

હા ! અગન ઇશ્કની જાગે !
હા ! અનહદ લગની લાગે !
સંસારે મસ્ત છું !

તન, મન, ધન, સહુ જલસમ વિગલિત :
હા ! હા ! હો ! મસ્ત છું !

સુતનુ હૃદય સહ વળગી,
ક્ષણ પણ નવ કરું અળગી;
નયનસુમણિ શિર કલગી !
હા ! હા ! હો મસ્ત છું !

ઈશ્ક છે શી ચીજ તે કવિ મસ્તને પૂછ્યું ઘટે,
દિલ સુનેરી પાત્રને વૈરાગ્યથી લૂછ્યું ઘટે;
આતશે ઇશ્ક તે છે, જેમાં સમંદર બલ જાય !
કોરઆને વેદે કહ્યું : તેમાં અહંતા જલ જાય !

વિભૂતિ વિરલ પરમની,
વિમલ, સુખદ, શી રમણી !
નવલ કુસુમ શી નમણી !


0 comments


Leave comment