31 - રજાની માગણી / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


રજા આ હંસ માનસને, સખી ! હાવાં દેવી :
વ્યથાઓ સ્નેહની સૌને, સખી ! માંડી સ્હેવી !

રહ્યા સાથે બહુ : કીધું જરા કંઇ મીઠું ગાન :
જવા દેવો ઘટે : માલેકની મરજી એવી !

જવાનું જો બધાને એક દિન ત્યાં આત્માને,
ઘટે છૂટાં થતાં કંઇ કાલ તો સ્થિરતા લેવી !

સદા સંભારશે એ માનસે પણ સ્નેહીને,
તૃષા રહેશે સમાગમની તને જેવી તેવી !

બધું તું રાખજે જૂનું નવું કંઇ સંભારી,
મળી નિજ વાસમાં વાતો, સખી ! પડશે કહેવી !


0 comments


Leave comment