19 - પ્રણયમાં કાલક્ષેપ / મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


નહીં આવે આડે પ્રણય પ્રણયીના હિત મહીં
કદા, કહેવું એવું, પ્રિયતમ સખે ! લાયક નહીં;
દિસે તોયે ખોટું, સદય પર શું નિર્દય થવું ?
તપાસી જો, જોશે અનુભવ વિષે અંકુર નવું !

વિચારે કે મોડું ક્ષણ પણ હતે, હા ! નહિ વળે
મળે જયારે ત્યારે : સમય વહી જાતાં નહિ મળે;
સખે ! ધારા પ્રેક્ષી જલદ રસમાં સ્નાન કરવું,
જરા વ્હેલું ? હૈયે નહિ, અરર ! એવું ન ધરવું !

નથી તારૂં એ કૈં, સકળ રચના છે કુદરતી,
નિસર્ગે બંધાતી, ત્રુટિત પણ મેળે થઇ જતી;
પડ્યું જે સંગીત શ્રુતિ પર નભોમંડળ તણું,
અરે ! જો માં તારો સમય, વિરલું, અંતર ઘણું !

સુધાનાં સત્વોનું મધુર મધુ કોને નહિ ગમે ?
સ્વભાવે પ્રેરાતું પ્રિય હૃદય નિષ્કારણ દમે !
ઉઘાડી દે હાવાં પણ વિહગને પિંજર, જવા,
બની ઘેલું પેલી કુસુમરજમાં મૂર્ચ્છિત થવા !


0 comments


Leave comment