૧૧ હવે / અરવિંદ ભટ્ટ


ઘાસમાં બેસીને
મિત્ર સાથે કાવ્ય-મીમાંસા કરતાં કરતાં
કેટલાંયે તણખલાં તોડી નાખતાં
હવે મને કંઈ જ સંવેદન થતું નથી.

ઝરમર વરસાદમાં
ખોરડા પર હારબંધ બેસી
પેટમાં માથું ખોસી
પલળતાં પારેવાંને જોઈને
હવે હું ભીંજાતો નથી
પ્લેટમાં પડેલા ઈંડાને ખાતા પહેલાં
હવે મને તેમાંથી
કુકડૂ..... કૂ ... અવાજ સંભળાતો નથી.

મને લાગે છે કે
હવે મારામાંનો કવિ ક્યાંક ભાગી ગયો છે,
હવે મારામાં માત્ર માણસ જ વસે છે.

માણસ જેવું વસતું હોય
તો પણ આ વખતે મને કંઈ તો થાય જ ;

મને લાગે છે કે
હવે મારામાં માણસ જેવું યે
કંઈ વસતું નથી.