૬૫ ખેડૂત સ્ત્રીનું ગીત / અરવિંદ ભટ્ટ


ભાણે બેસો તો થોડું ભાવશે
મનમોજી ! તમે ભાણે બેસો તો થોડું ભાવશે

ખેતરમાં જેમ તેમ હળને હાંક્યું છે આજ
એમ આ વલોણું ફર્યુ છાસમાં
ગાડાનાં પૈ જેવા રોટલામાં ભાત્ય જેમ
ક્યારીઓ કરી છે તમે ચાસમાં
ભોમાં ભાર્યુ તે બારું આવશે
મનમોજી, તમે ભાણે બેસો તો થોડું ભાવશે

વીંઝણામાં ઝાડવાનાં છાંયડા ગૂંથીને
હુંય ઢાળીને બેઠી છું પાટલો
નેજવું કરીને વાટ જુઓ વરસાદની
એમ હુંય જોતી’તી વાટ હો
ખાધું-પીધું તે ખભ્ભે આવશે
મનમોજી, તમે ભાણે બેસો તો થોડું ભાવશે.