19 - વરસાદ જેમ આવીને / અરવિંદ ભટ્ટ


વરસાદ જેમ આવીને
તેઓ સાવ અચાનક જતાં રહ્યાં ને
નેવાં-શી પાંપણ પરથી યાદોનાં ટીંપા
હજુય ટપકે .

જતાં જતાં ઘરમાં ઊભી થાંભલીએ એનો
જરાક અમથો સ્પર્શ થવાથી
અણુ-અણુમાં અતીતની
ભીનાશ ફરીથી પ્રસરેલી
ને એકસામટી પાંચ-સાત કૂંપળ થાંભલીએ
ફૂટેલી તે હજીય આંખને ખટકે.

ફળિયાની જાજમમાં તેઓ
પગલાંના પંખીઓની
ભાવ્યો પાડીને જતાં રહ્યાં
ને પંખીઓ તો
ફિક્કું ફિક્કું હજુય ટહુકે.

ખાલીપાથી ઘર મારું ચિક્કાર ભરી
એ જતાં રહ્યાં
ભીંસાતી ભીંતો પંખી થઇને
ક્યાંય ઊડી જવાને તલપે…


0 comments


Leave comment