૨૧ બાબર દેવાનું ગીત / અરવિંદ ભટ્ટ


બાબર, તારી જીભ એટલે કાતર છે
બાબર, તારા દાંત દાંતિયા જેવા છે
બાબર, તારે ખીખ્ખીખી-ના હેવા છે

બાબર, તારી પંચમુખી આંગળીઓ
ફરતી ખોડીદાસનાં કેશ-રાશિમાં
બોબ્ડ હેરને પાંચ પલાખાં પૂછે
લૂછે ખોડીદાસનો ચહેરો
માથે જોડીદાસનો પહેરો

બાબર, તારે રોજ રોજ સમરાંગણ
સજી સજૈયાસાજ, પડે મૈદાને – આંગણ
તારા રામબાણ અસ્ત્રાથી મસ્તક
દશ – દશ વાર છોલાઈ જતાં
તારી કને ઝૂકતાં લોક
રમલો ઝૂકે, હસલો ઝૂકે
મનકો ઝૂકે, બકલો ઝૂકે
શહેનશાહનું મસ્તક ઝૂકે
ઝૂકે પાઘડિયું પચાસ

બાબર, તારી બર્બરતાથી બાળક ડરતાં
બાબર, તારી હાકલથી છોરું થરથરતાં
તારાં નથી ખૂટતાં કામ

તું કંઈ નથી તાઈ – તંબોળી
તારા એ પૂર્વજ કે જેણે
ઇતિહાસની બાબરીઓની ઓળી
તારાં નથી ખૂટતાં કામ

ચારે બાજુ દર્પણને શણગારી
તારે બાર – બાપની વેજાને સાચવવી
તારાં નથી ખૂટતાં કામ
રામ – જન્મભૂમિ કે બાબરી મસ્જિદની
આ કડાફૂટમાં
આમ બાબરી રાખીને
અહી દર્પણમાં દર્પણ જોતો
તું ક્યાં ઊભો છે ?
અરે બાબરા ભૂત !
આ તારું બા’રવટું છે ઘરમાં

ચાલ, બાબરી ઉતરાવી લે
અને કહે કે
સાત પૂંછડીવાળા ઉંદરની પૂંછડીઓ
કાપીને તેં ક્યાં રાખી છે ?
કઈ પૂંછડી
ક્યાં દાટી છે ?