૫૨ ગિરનારી દાદરો / અરવિંદ ભટ્ટ


ડૂબી ન શક્યો તેજનો એક્કેય કાંકરો
ભેંકાર અંધકાર હતો સાવ છીછરો

છે ઝામરો આ મારા પરિચયની પેનીએ
તારો સબંધ એટલે ગિરનારી દાદરો

ખરતું નથી હજી જળ ચોંટેલું આંખમાં
કાંઠે ખરી ગયો હતો વસ્ત્રોથી વેકરો

ચાલ્યા કરું છું ગોળ ગોળ હું સતત
ને રણઝરે છે ડોકમાં ચાલ્યાનો ટોકરો

બે-ચાર શબ્દ છીનવી જાતો ઘડીકમાં
આ ટેરવામાં યુગ પછી આવેલ ઊભરો.