૪૪ ભાગી છૂટો / અરવિંદ ભટ્ટ


તણખલે બાંધેલ સગપણ છોડીને ભાગી છૂટો
પાંખથી આકાશને પરખોડીને ભાગી છૂટો

કૈક એવું પણ મળે ખંડેરને ફંફોસતાં
કે તમારું ઘર તમે તરછોડીને ભાગી છૂટો

તે પછી પંપાળજો જીભથી પરિચયનો ખીલો
ડોકમાં બાંધેલ સાંકળ તોડીને ભાગી છૂટો

શક્ય છે કે બ્હાર નીકળવાથી દરિયો પણ મળે
માછલીઓ, કાચને જો ફોડીને ભાગી છૂટો

-એક ટોળું સ્તબ્ધતામાં ગુમ થઈ જાશે પછી
ઊતારો ચિતા ઉપરથી, દોડીને ભાગી છૂટો.