૫૩ ગોઠવી દીધો / અરવિંદ ભટ્ટ


તેં મને શોધી બધામાં ગોઠવી દીધો મને
લાભશુભ જેવી જગામાં ગોઠવી દીધો મને

બાગનો ખૂણો હતો હું ઝાડનો છાંયો હતો
ને હવે આ બાકડામાં ગોઠવી દીધો મને

બર્ફનાં ગોળાની વચ્ચે ગોઠવી દીધી સળી
ચૂસવા સુધી મઝામાં ગોઠવી દીધો મને

જોઈ લો, ઊતર્યો હવાનો અર્થ હાડોહાડમાં
હાડકાની માળખામાં ગોઠવી દીધો મને

સાતફેરા લગ હું મંગળદીવડા-શો ઝગમગ્યો
ને ઠર્યો તો માળિયામાં ગોઠવી દીધો મને.0 comments


Leave comment