16 - સારું છે કે / અરવિંદ ભટ્ટ


કૂકડો બોલ્યો ને પડી સવાર
કે સવાર પડી ને કૂકડો બોલ્યો
ખાખરો ખીલ્યો ને ઋતુ બદલી
કે ઋતુ બદલી ને ખાખરો ખીલ્યો

કાગનું બેસવું ને ડાળનું પડવું
કે ડાળનું પડવું ને કાગનું બેસવું
અથવા તો
પડી ગયેલ ડાળ પર કાગનું બેસવું
કે બેસી રહેલ કાગ પર ડાળનું પડવું

દાદા પહેલવે’લા નાનાને ત્યાં ગયેલા
અને બિલાડીનું આડું ન ઊતરવું
એટલે મારું હોવું
તે વખતે નાનાને આવેલી
બીજી છીંક

જનમ્યો કે તરત
દાદીમાએ
હાથ-પગનાં આંગળાં ગણીને
માને જણાવેલું :
બરાબર વીસેવીસ છે
ક્યાંય કશી ખોડખાંપણ નથી

કાકીએ વેલણથી થાળી વગાડી
અડોસ – પડોસમાં જાણ કરેલી
એચ. યુ. એફ. માં વધેલા
એક વંશજની

સારું થયું કે –
હું નથી મરાયો
અકસ્માતમાં
હુલ્લડમાં
હોનારતમાં
ધરતીકંપમાં

સારું થયું કે –
મને ચલક ચલાણું રમતાં આવડી ગયું
ગમે રીતે ભાણું જમતાં આવડી ગયું
માથોડા પાણીમાં તરતાં આવડી ગયું
ધૂળ ધૂળ ધાણીમાં ફરતાં આવડી ગયું

સારું થયું કે –
ઘેર પારણું ઝૂલે છે
રોજ બારણું ખૂલેછે

સારું છે કે –
હું મૃત જન્મેલું બાળક નહોતો

સારું છે કે –
હવે હું આવતી કાલની તારીખનું
પાનું
આજે જ ફાડી શકું છું.


0 comments


Leave comment