૩ - ચકરાવા / અરવિંદ ભટ્ટ


પંખી માળો ભૂલે
તો હું તને ભૂલી શકું
શું ખબર કે
આમ અચાનક પૂર આવશે
નહિતર ન બનાવત
આ સૂકી નદીમાં તરબૂચનો વાડો,
ન બાંધત ઝૂંપડું.

ઝરમર વરસાદમાં
ખાબોચિયામાં થતા પરપોટા ;
બે પરપોટા પાસે આવી
એક થઈ
ફૂટી જાય છે
એમ ફૂટવું હતું આપણે.

પણ

વૃક્ષ સળગે ત્યારે
પીળાં પાન સાથે
કૂંપળ રાખ થઈ જાય છે
ને પંખીઓથી ઊડી જવાય છે.

ચકરાવા માર્યા કરું છું,
નવા નીડની શોધમાં
ને પ્રયાસ કરું છું
તારું મરસિયું ગાવાનો.


0 comments


Leave comment