32 - એક છે / અરવિંદ ભટ્ટ


આપણું મળવું ન મળવું એક છે
જળ તણું બળવું ન બળવું એક છે

નીડ જેવી છાતીનાં પિંજર વિશે
શ્વાસનું પળવું ન પળવું એક છે

છે હકીકતની બટકણી ડાળખી
સ્વપ્નનું ફળવું ન ફળવું એક છે

આપણા આવાસ-શા ખંડેર પર
કાગનું હળવું ન હળવું એક છે

રણ વસે છે આંખમાં અજવાસનું
સૂર્યનું ઢળવું ન ઢળવું એક છે.


0 comments


Leave comment