25 - અવિવાહિતનું કાવ્ય / અરવિંદ ભટ્ટ


કોના હાથની રેખાઓ જોડાશે મારા હાથ તણી રેખાઓ સાથે ?
કુમકુમની થાળીમાં કોડી – કરડે રમતાં
જાણી જોઈને આખુંયે ઘર હારીશ કોની સામે ?
કોની આંખોને ઓઢીને પોઢીશ હું માઝમ રાતે ?
કોની કારમી ચીસ નીકળતાં મારામાં અવતાર પામશે બાપ ?

મારા સ્વપ્નવંશનાં ફૂલ સોંપીને
મારામાંથી ખરી પડેલું શૈશવ પાછું લાવી આપશે કોણ મને ?
મારા સ્વપ્નવંશનાં વૃક્ષ ઊજેરી
મારામાંથી ખરી પડેલું જોબન પાછું લાવી આપશે કોણ મને ?

દ્વારે રૂમઝૂમ કરશે વેવાઈની વેલ
વેલનાં પરદેશી પોપટ સંગે પોતાને એણે વિદાય આપી હોય
એમ આ ખાલી ઘરમાં પાછું ફરશે કોણ ?
મંગળદીવો લઇ ફૂલેકા સાથે ફરશે ઝગતું ઝગતું કોણ ?

રાતે ચોક વચાળે
સ્વપ્નવંશની બજર રંગની દંતકથાઓ થૂંકશે ?

કોણ હાથનો મજીઠિયો ખનકાર ભાંગશે મારી પાછળ ?
કોણ ખૂણાનાં અંધારાને ઓઢી રાખશે મારી પાછળ ?

મને ગયાનાં દિવસ, માસ ને વરસો ગણશે કોણ ?
કોણ ડોસલી મને યાદ કરવાની મારી છબી જોઈને ?

ચાલો, ચાલો મને બતાવો એ કન્યાને હમણાં
ચાલો ચાલો....


0 comments


Leave comment