૪૮ પાથરે / અરવિંદ ભટ્ટ


આજ એવી રીતે પાગરણ પાથરે
યાદનું એક આખ્ખુંય રણ પાથરે

મેલી ઘટનાને ઓછાડી દીધી અને
સ્વચ્છ તકિયા સમાણું સ્મરણ પાથરે

એક સપનું તો આવીને ઊડી ગયું
તે પછી તું છૂટેહાથ ચણ પાથરે

કોઈ પણ જગા એક અકસ્માત છે
આ સમય સાવચેતીથી ક્ષણ પાથરે.