0 - એક પીંછું મોરનું – પ્રસ્તાવના – મોરપિચ્છથી ગોકુલ સુધી…… / રમેશ પારેખમારે ગુજરાતી ભાષાનાં શ્રેષ્ઠ કાવ્યોનો સંચય કરવાનો હોય તો હું તેમાં અરવિંદ ભટ્ટનું જે કાવ્ય અવશ્ય લઉં એ કાવ્ય આ કાવ્યસંગ્રહમાં છે. એ કાવ્ય નિર્વિવાદપણે આ સંગ્રહનું પણ ઉત્તમોત્તમ કાવ્ય છે. અરવિંદ ભટ્ટનાં કાવ્યસંગ્રહ વિષે મારે લખવાનું છે તો તેના આ ઉત્તમ કાવ્યથી જ લખવાનું શરુ કરવું મને ગમશે..


ઉપરોક્ત કાવ્યની શરૂઆત કોઈક રંગદર્શી મુગ્ધ કાવ્ય નાયક ઉદ્દગાર રૂપે થઈ છે :


કોના હાથની રેખાઓ જોડાશે મારા હાથ તણી રેખાઓ સાથે ?


કુમકુમની થાળીમાં કોડી કરડે રમતાં


જાણી જોઈને આખું યે ઘર હારીશ હું કોની સામે ?
કોની આંખોને ઓઢીને પોઢીશ હું માઝમ રાતે ?


કિંમતી કપડાનાં તાકાનાં એક પછી એક સળ ઉખળતા આવે તેમ પંક્તિએ પંક્તિએ મુગ્ધ કાવ્ય નાયકનાં ભાવજગતનું રઢિયાળું ને રઢિયામણું ચિત્ર દોરાતું આવે છે. પછી તુરત જ એકાએક અણધાર્યો ને નાટ્યાત્મક વળાંક મૂકીને કવિ ભાવકને ચકિત કરી મૂકે છે. :


કોની કારમી ચીસ નીકળતાં મારામાં અવતાર પામશે બાપ ?


આ પંક્તિ પછી અગાઉની મુગ્ધતાની જગાએ પૈતૃક વાત્સલ્યભાવ આવિષ્કૃત થાય છે. પછી એ સંવેદન શબ્દબદ્ધ થાય છે કે (મારા શિશુ રૂપે જન્મીને ) મારું ખરી પડેલું શૈશવ કોણ પાછું લાવી આપશે, કોણ મારું ખરી પડેલું જોવાન પાછુ લાવી આપશે ? અહીં એ પણ જુઓ કે કાવ્યનાયક પોતાની વધતી વયનાં સંવેદન-સંચલનોને પણ કેવો તિર્યક રીતે શબ્દબદ્ધ કરતો જાય છે.


આ પછી કાવ્યમાં ફરી નાટ્યાત્મક ભાવ પલટો આવે છે. જુઓ –


દ્વારે રૂમઝૂમ કરશે વેવાઈની વેલ
વેલનાં પરદેશી પોપટ સંગે પોતાને એણે વિદાય આપી હોય
-એમ આ ખાલી ઘરમાં પાછુ ફરશે કોણ ?


કાવ્યનાયક પોતાની કન્યાનાં લગ્નની વાત કરે છે, ને પોતાનાં સંવેદન સાથે પત્નીનાં ભાવજગતને પણ માર્મિકતાથી શબ્દબદ્ધ કરતાં કહે છે કે કન્યાને વિદાય આપ્યા પછી (પોતાને પણ વિદાય આપી હોય એવા) ખાલી ઘરમાં પાછું ફરશે કોણ ? કાવ્યનાયિકા પણ નહીં, કાવ્યનાયક એકલો જ ખાલી ઘરમાં જાણે પાછો ફરશે... દીકરીની જાનને વળાવ્યા પછીની એકલતાની કેવી બળકટ રજૂઆત કરે છે ! આ પછી પાછો ભાવપલટો આવે છે. વર્ષો સરી ગયાં પછી વૃદ્ધ કાવ્યનાયિકાની વાત કવિ આ રીતે મૂકે છે. :


રાતે ચોક વચાળે


સ્વપ્નવંશની બજરંગની દંતકથાઓ કોણ થૂંકશે ?


વર્ષો સરી ગયાં પછી ચોકમાં ભોળી થઈ બેસતી ડોસીઓ દાંતે તપકીર દેતાં દેતાં ભૂતકાળને સંભારતી હોય એમાં કાવ્યનાયક પોતાની પત્નીને પણ જુએ છે. વિરોધાભાસ તો જુઓ કે કાવ્યની શરૂઆતમાં કાવ્યનાયક નાયિકાની જે કલ્પના કરે છે તેનાથી બિલકુલ વિપરીત આ ચિત્ર છે. આ ચિત્રને વધુ ઘેરું બનાવતી પંક્તિઓ પણ કવિએ નિર્મમપણે મૂકી છે. :


કોણ હાથનો મજીઠીયો ખનકાર ભાંગશે મારી પાછળ ?
કોણ ખૂણાનાં અંધારાને ઓઢી રાખશે મારી પાછળ ?
મને ગયાનાં દિવસ, માસ ને વરસો ગણશે કોણ ?
કોણ ડોસલી મને યાદ કરવાની મારી છબી જોઇને ?


આવી માર્મિક અને તાજગીસભર અભિવ્યક્તિ પછી તરત જ કાવ્યનાયકની નારદડૂબકી પૂરી થાય છે ને તે ઉદ્દગારે છે :


ચાલો, ચાલો મને બતાવો એ કન્યાને હમણાં......


કાવ્ય તો આ પંક્તિ પાસે પૂરું થાય છે પણ તેનાં સંવેદનના વર્તુળો ભાવકનાં મનોજગતમાં ક્યાંય સુધી શમતાં નથી. આ કાવ્ય નાટ્યાત્મક ભાવપલટાઓને લીધે, ઉક્તિસામર્થ્યને લીધે અને સચોટ લાઘવને કારણે બળકટ અને ભવ્ય બની રહે છે.


ઉપરોક્ત કાવ્યની વિગતે વાત કર્યા પછી મારે એ કહેવાની જરૂર નથી કે અરવિંદ ભટ્ટની કાવ્યરીતિ કેવી અગમ્ય – અનપ્રેડિકટેબલ છે !


પ્રસ્તુત કાવ્યસંગ્રહનું આરંભનું કાવ્ય પણ અરવિંદની વિશિષ્ટકથનશૈલીની દ્રષ્ટિએ જોવા જેવું છે. કાવ્યની શરૂઆતની પંક્તિઓ વાંચો :


ગળથૂથી કેવી લાગે ?
થોડીક બનાવી આપ,
મારે પીવી છે


કોઈપણ જાતનાં કાર્યકારણનાં સબંધ વિનાની લાગતી અને શબ્દોની ભરમાર વિનાની સરલ ઉક્તિ, પ્રસ્તુત કાવ્યમાં પ્રવેશતા ભાવકને, ખાસ અભિભૂત ન કરે. પણ તે પછીની કાવ્યપંક્તિઓ સડસડાટ ચાલે છે. તેની ગતિ સાથે ભાવક પણ ખેંચાય જઈને કાવ્યની છેલ્લી કારુણ્યસભર પંક્તિ પાસે – એના અણધાર્યા અંત પાસે પછડાય છે :


મારે ફરી ઊછરવું છે...


આ અંતિમ પંક્તિ પછી ભાવક ફરી આખું કાવ્ય વાંચી જશે તો પ્રત્યેક પંક્તિની કરુણગર્ભ સાર્થકતાને પામી શકશે.


એક લઘુ કાવ્ય અહીં ફરીથી ઉતારું છું.


કદાચ તે લોકોને ખબર નહીં હોય કે
એ કૂવાની દીવાલોની બખોલોમાં
કેટલાંક પંખીઓનાં નીડ હશે
નીડમાં
ફૂટવાની રાહ જોતાં ઈંડા હશે
ઊડવાની રાહ જોતાં બચ્ચાં હશે
કેટલાંક પંખીઓ
ઈંડાને હૂંફ દેતાં બેઠાં હશે
કેટલાંક તેનાં બચ્ચાં માટે
દૂરદૂર ચણ લેવા ગયાં હશે
અને આ લોકો અચાનક આવીને
એ કૂવાને ઢાંકણ ઢાંકી ગયા.
કદાચ તે લોકો નિર્દય નહીં હોય.


પ્રસ્તુત કાવ્યની દસેક પંક્તિઓ સુધી અણસાર પણ નથી આવતો કે કાવ્યની ગતિ કઈ તરફ છે. છેલ્લી પંક્તિઓમાં કૂવા પર ઢાંકણ ઢાંકવાની વાત છે. પરંતુ કવિ ત્યાં કાવ્ય પૂરું કરતાં નથી. અંતિમ પંક્તિ કવિ પોતે પ્રકટ થઈ બોલે છે. તેમાં તે લોકો પર કોઈ દોષરોપણ કરતાં નથી. પણ ક્રૂર નિયતિનો સંકેત શબ્દબદ્ધ કરે છે. આ ભાવને સાંકેતિક રૂપે લખીને કવીએ આખા કાવ્યને સામાન્યતામાં સરી પડતું બચાવી લીધું છે.


કવિની ગમી ગયેલી અન્ય ઘણી અછાંદસ રચનાઓ વિશે વધુ વાત થઈ શકે પણ ક્યાંક તો અટકવું પડશે ને ?


અરવિંદ ભટ્ટની ગઝલમાં પણ લાઘવ અને સંવેદનની સચ્ચાઈ પ્રતીતિકર અને ધ્યાન ખેંચે તેવી છે. દા.ત.


એક ઘેટું ટાઢથી થરથર થતું
જોયા કરે ભરવાડ પાસે કામળી


એટલો સબંધ છે અંધારથી –
સૂર્ય ઊગે છે ને વિસ્મય થાય છે.


સત્ય તેં પહેરેલ વસ્ત્રો સત્ય છે
સત્યની પાછળ તું સંતાયા કરે.


હું થયો પંખી ગગન પિંજર થયું
પાંખ બાબતની મને સમજણ નડે.


મેં લખ્યા પત્રો તને, તે લઈ ઊભો
હું ટપાલી જેમ તારે બારણે !


અરધું પરધું સપનું રઝળે
જણ એક મર્યો ભરનિંદરમાં.


બત્તી કરું ને જેમ થતો અંધકાર ગુમ
ક્યાં એમ થઈ શકે છે તમારો વિચાર ગુમ ?


મને અનુભવ છે કે ગીત અને ગઝલમાં થતો શ્રુતિભંગ કે વજનદોષ અરવિંદનાં ધ્યાન બહાર હોતો નથી. કાવ્યત્વનો પ્રશ્ન ઊઠે ત્યારે અરવિંદ છડેચોકે બેધડક વજનદોષ કરી નાખે છે. એનાં ઉદાહરણો સુજ્ઞ ભાવકોને અહીં મળશે.


ગીત અને ગઝલની સંખ્યા જોતાં એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે અરવિંદ ગીત અને ગઝલ વિશે ઘણું જાણે છે. સશક્ત કલમનો સ્વામી છે, એટલું જ નહીં એ પ્રયોગપટુ પણ છે. પ્રયોગ પરત્વે સાહસો પણ કરી શકે છે, તેમ છતાં અહીં તેનાં ગઝલ અને ગીતોની સંખ્યા ઓછી કેમ છે ? આના કારણમાં અરવિંદ મોજીલા સ્વભાવને, પ્રમાદીપણાને દોષ દઈ શકાય. અરવિંદ ધારે તો આ વ્યવધાનોને જરૂર અતિક્રમી શકે. આપણે સરસ્વતીદેવીને પ્રાર્થીએ કે અરવિંદની સર્જકતાને રુંધાતા વ્યવધાનોને દૂર કરે.


અરવિંદનાં ગીતો વિશે કહેતા એક વાત સ્વીકારવી પડે કે તે લયનો પાક્કો છે (એણે ગીત પણ લખ્યું છે : લયની ખાધી લપાટ બાપા, લયની ખાધી લપાટ હો...... રે ) અરવિંદનાં ગીતોમાં પરંપરા ને પ્રવર્તમાન પ્રવાહોથી જુદા પડવાની મથામણ પણ દેખાય છે, લંબાણનાં ભયે હું આ બધાં ગીતો વિશે કશું કહેવાનો નથી.


તેમજ પ્રસ્તુત કાવ્યસંગ્રહનાં ઉષ્માપૂર્વક વધામણાં કરીને અંતમાં, અરવિંદનું એક નખશિખ સુંદર ગીત રજૂ કરીને મારું વક્તવ્ય પૂરું કરું છું. :


હું બિચ્ચારી ખોબા જેવડી દરિયા જેવડું ગામ
મેં ભોળીએ ક્યાંક સાંભળી બંસી
મારા ગામને ગોકુળ માની લીધું.
પામી નહીં અણસાર છતાં મેં
મોરપિચ્છનાં બદલામાં માખણ દઈ દીધું
નદીને ઝૂકતાં ઝાડ મળે પણ મળે નહીં ઘનશ્યામ


ક્યાંક પહોચતાં હશે આ મોજાં
કાંઠે અમથી આવન-જાવન કરતાં કરતાં
મેં ય ફરી લીધું છે આખું ગામ
ફળીમાં ફેરફૂદરડી ફરતાં ફરતાં
મારગ વચ્ચે પરબ મળે પણ મળે નહીં મુકામ.


અમરેલી :
તા.૯-૯-૧૯૯૪ - રમેશ પારેખ0 comments


Leave comment