13 - તમે / અરવિંદ ભટ્ટ


આપણે સાથે ગાળેલ દિવસો
ઓકટોપસનાં પગની માફક
તમને વીંટળાઈ વળે,

મને ભૂલી જવાના વનમાં
આથડતા હો ત્યારે
તમને મારા નામનો લીલેતરો કરડે,

તમારા પિંજર જેવા ઘરનાં ખોરડે
બેસતા કાગડાનું ક્રાંઉ
તમારા મરેલા ઉંદર જેવા કાનને
ફોલી ખાય,

તમારી પરસાળમાં ઊગતો સૂર્ય
દીપડો થઈ જાય,

નીંદર તમારી આંખમાં
કણાની જેમ પડે,

આપણી વાતોનાં પ્રેત તમને વળગે,
મારી એકલતાની ચૂડેલ તમને ઝાલે,

તમને એકલા હોવાનું ઘેલું લાગે
ને તમે નાસી છૂટો

ને તમે મારી પાસે આવીને
પછડાઈ પડો.


0 comments


Leave comment