૫૫ ખાલી / અરવિંદ ભટ્ટ


ખીલાઓ થતા રહે ખાલી પણ
ગામનાં ગોંદરા ન થાય કદી ખાલી

પીંછા બે-ચાર રોજ ખરતાં રહે છે
એમાં પાંખોનું કાંઈ નથી જાતું
ટહુકે ટહુકે સૂકાય ઝાડ –ઝાડ ઉપર
પણ જંગલ એ જંગલ કહેવાતું
ડુંગર-રણ-જંગલની આડશ વીંધીને
જાય કેડી તો દૂર દૂર ચાલી

આંખોમાં કૂંપળશો ફૂટે અતીત
જોઈ પાદરમાં ખોડેલા ગામને
શ્રધ્ધાનાં દીવાને ઠારી નાખીને
કોઈ કાંડા પર ત્રોફાવે રામને
ભૂંસી શકાય ચૂડી ચાંદલો
ભૂંસાય નહિ રગરગમાં ઘૂમતી લાલી.