6 - લાલ આંખ / અરવિંદ ભટ્ટ


જો મારું ચાલે તો –
હું મારા ઘરની અલમારીમાં
કબૂતરાંને માળા બાંધવા દઉં,
આયના સાથે ચકલીને
થાકે નહીં ત્યાં સુધી ઝઘડવા દઉં,
વર્ષોથી પિંજરમાં ગૂંગળાતા ટહુકાને
જંગલ સુધી વિસ્તારું,

ધોધમાર વરસાદમાં થરથરીને
બ્યાઉંકારા નાખતી કૂતરીને
ઘરમાં લાવી ઊની રાબ પીવરાવી
કામળો ઓઢાડીને સૂવરાવું,
દરરોજ ભીખ માગવા આવતા
પાંચ વરસનાં દિગંબરને
મારો ભાઈ બનાવું,
ટોપી ઉતારીને પોક મૂકતા પટાવાળાને
દસ રૂપિયા ઊછીનાં આપું,
પણ મારા ઘરમાં રહેતી લાલ આંખ
મને આમ ક્યાં કરવા દે છે. !


0 comments


Leave comment