૩૪ નડે / અરવિંદ ભટ્ટ


આંખ સુધી વિસ્તરેલું રણ નડે
ઝાંઝવાંથી પલળતી પાંપણ નડે

મેં મને ક્યારે ય પણ જોયો નથી
જ્યાં નજર ફેંકું છું ત્યાં દર્પણ નડે

છો સમય જાતો–કશી હરકત નથી
પણ મને ચાલ્યો જતો ફાગણ નડે

હું થયો પંખી, ગગન પિંજર થયું
પાંખ બાબતની મને સમજણ નડે

પર્ણ છું ગઈ કાલની તારીખનું
મારું હોવું ડાળખીને પણ નડે