૩૦ ક્યાં / અરવિંદ ભટ્ટ


એક ચાંદરણુંય ક્યાં પકડાય છે
ક્યાં સૂરજ હરવાનો આશય થાય છે

એટલો સબંધ છે અંધારથી
સૂર્ય ઊગે છે ને વિસ્મય થાય છે

એટલે ખંડેરમાં જાઉ છું રોજ
કે મને મારો પરિચય થાય છે

હું હવે દરિયે કદી જાતો નથી
ક્યાં તણાયા જેટલો ભય થાય છે

તો ખરું જગ આયનાઓમાં હશે
બિંબ હું છું એમ સંશય થાય છે.