૬૪ લોલમલોલ / અરવિંદ ભટ્ટ


નથી હાંકવું હળ માથામાં હવે હાંકશું લોલમલોલ

આળસનાં કીડા પર થાપી રવિવારનું છાણું
પરમાણુને અણી કાઢતાં વાઈ જવાનું વાણું
સૂરજને લઈ એક છાબડે અંધકારનો કરશું તોલ

બજાર વચ્ચે વિંયાય બાવળ બચ્ચાં આવે બાર
સહુ સહુનું શૂળ લઈને તરત કરે તકરાર
ડંકા વગડે ટાવર ત્યારે અમે વગાડી લેશું ઢોલ.