૬૧ ગમતું ગામને છોડીને જતાં જતાં / અરવિંદ ભટ્ટ


જેમ આંબાનાં વનમાંથી વાયરો પસાર થાય
એમ હું પસાર થાઉં ગામમાં
ચૈતરનાં આંબાની ડાળ સમી શેરીએ
શાખોની જેમ ઘર ઝૂલે
જાણે સૂડાઓ ચાંચ મારતા ન હોય
એમ બારી ને બારણાં ખૂલે
ઘરઘરમાં મ્હેક મ્હેક ફરી વળું એમ –
મને એકને ગણે સૌ મહેમાનમાં

લોચનમાં લીલી ઘેઘુરતા લઈને
મને ઘેરી વળેલ સમુદાય હોય
પાંદડાની જેમ અહીં કેટલાય હોઠો પર
મર્મરતી મારી વિદાય હોય
હું અને મારું પસાર થવું સ્હેજ
અડી લઈએ આ ગામનાં તમામમાં.