17 - દાદીમાને વાર્તા / અરવિંદ ભટ્ટ


માડી, મેં તો જબ્બર જંગલમાંથી
મેના – પોપટ પકડી પાળ્યાં
એક મોટા પિંજરે
માડી, મારો પોપટ ઉદાસ
માડી, મારી મેના યે ઉદાસ
પછી છે ને....
પછી એને
એમાં એક બચ્ચું થયું
આ બચ્ચું પોપટ થયું

માડી,
આ લીલેરો પોપટ તો લીલોતરી ન ભાળે
આ પોપટને સાચુકલો ટૌકો ન આવડે
આ પોપટને માળા જેવું ભાન નહીં
આ પોપટની પાંખો વિશે આભ નહીં
તોય હું આ પોપટની વાત કહું –
પોપર લોઢાની ડાળ
પોપટ ઝૂલ્યા કરે
પોપટ લીલી કેરી ખાય
પોપર પીળી કેરી ખાય
પોપટ ભૂખ્યો નહીં
પોપટ તરસ્યો નહીં
પોપટ ટૌકો કરે
પોપટ મઝા કરે

માડી,
આ પોપટ આમ કેમ કરે ?
એનાં માવતર એની સામે
સૂનમૂન તાકે,
તોય માડી, આ પોપટ
આમ કેમ કરે ?

પછી વરસ ગયાં
એક દિવસ દયા
મને લજવવા લાગી
મને પજવવા લાગી
ને મેં ખોલી નાખ્યું પિંજરનું દ્વાર

માડી,
માવતર પાંખોમાંથી પિંજરને પરખોડી
ઊડી ગયા ફ...ર...ર...ર...ર...
પણ પૂતરની પાંખોમાંથી
પિંજર વછૂટે નહીં
વાગ્યું ઘરનું આકાશ
વાગ્યું બ્હારનું આકાશ
બે’ક ચકરાવા મારીને
એ ઝટપટ પિંજરમાં પેસી ગયો –
હાશ ! કહી બેસી ગયો.


0 comments


Leave comment