૧૦૩ - જ્યોતિ-કલા ગુજરાતની / શૂન્ય પાલનપુરી


વિશ્વને રોશન કરી ગઈ દીપિકા-૧ ગુજરાતની,
સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિ-કલા ગુજરાતની.

‘ડાંગ’ માર્યાથી કદી પાણી જુદાં થાતાં નથી.
દુશ્મનોએ જોઈ છે ક્યાં એકતા ગુજરાતની ?

મુક્તિ કેરા ગાલ પર લાલી અમસ્તી ના ગણો,
રંગ લાવી છે શહીદી-ભાવના ગુજરાતની.

ભાગ્ય પર પુરુષાર્થની મારી છે લોખંડી મહોર-૨
ભૂલશે ઇતિહાસ ના ગૌરવ-કથા ગુજરાતની.

ચંદ્ર ને સૂરજ કહે છે રાતદિ’, ‘જય સોમનાથ !’
કાળના હૈયે જડી છે અસ્મિતા ગુજરાતની.

માતા કેરા ચીર-૩ સાથે ખેલનારા ! સાવધાન !
કૈં મહાભારત ન સર્જે ઉર-વ્યથા ગુજરાતની.

શૂન્ય, મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું,
મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ ‘મા’ ગુજરાતની.


૧. પૂજ્ય ગાંધીજી ૨. સરદાર વલ્લભભાઈ ૩.સીમાનો ઝઘડો


0 comments


Leave comment