૩૯ પુકાર આવે / શૂન્ય પાલનપુરી


જીવનની ઓથે મરણ છુપાવી કપટથી જયારે સવાર આવે,
પ્રથમ કિરણથી મિલાપ કરવા ગુલોને કહેજો તુષાર આવે.

જીવન-મરણ છે સમાન એને, સહે જે નિશદિન વિયોગ તારો,
ચમન – વિખૂટા ગુલાબને શું ? ખિઝાં રહે કે બહાર આવે !

નથી તમારા સિતમને માઝા, કરે હવે શું બિચારી ધીરજ ?
હૃદયનું મુખ જો દબાવી રાખે, નયનની જીભે પુકાર આવે.

મરણને જાણે મહાત કરવા રમે છે જીવન સજોર ચાલો,
જરાક ચાલે આ પ્રાણ-પ્યાદું, મદદમાં બે બે સવાર આવે.

જીવનનો સાચો પથિક પર છે સુખોદુઃખોની ખુશીગમીથી,
ન હોય સરખો હંમેશ રસ્તો, ચઢાવ આવે ઉતાર આવે.

સ્વતંત્રતા વિણ ગુલામ માનસ ! નથી જીવનની કશી જ કિંમત;
અમૂલ્ય મોતી બને છે, જયારે એ છીપ મૂકી બહાર આવે.

ઘડ્યો છે જેને મેં ભાવનાથી હજાર પરદા કરે ભલે ને !
એ મારી પોતાની ભાવના છે, હું જયારે ચાહું બહાર આવે.

પ્રણય મિલાવી શકે છે એવી અનોખી રીતે જીવન-સિતારી,
હૃદયના તારે ઊઠે જો દીપક, નયનના તારે મલ્હાર આવે.

ખરેલ પુષ્પો ફરીથી ખીલે, વિકાસ પામે સૂકેલ કળીઓ,
હે શૂન્ય આવી શકે તો મારા ચમનમાં એવી બહાર આવે !0 comments


Leave comment