33 - દંશ / ન્હાનાલાલ દલપતરામ કવિ


હાં રે મ્હને ઝેરી નાગોએ ડંખ દીધા,
હો સન્ત! હાવાં કેમે ઉતારશો એ ઝેર?
હાં રે મ્હને ઘેરી સચોટ બાણ વીંધ્યાં,
હો સન્ત! ઘાવ ઉરના રૂઝાવશો શી પેર?

ઉંચી ઉંચી તારલી એ મીટ માંડી મટકે,
સન્તાય મ્હારી પાંપણ વિશે દિનરેનઃ
રહી રહી ઝીણું ઝીણું હો સન્ત! ખટકે,
અંજાય મ્હારાં લોચન વિશે મદઘેન.

ડોલે પેલી કમલિની જલ કેરી હેલે,
વસન્તજલે એવો ડોલે ફૂલપ્રાણઃ
મધૂપ પ્‍હણે ગુંજે, પરાગ ઢળે વેલે,
અખંડ ક્ય્હારે રેલે એવી રસલ્હાણ?

લળી ઢળી આસોપાલવ કેરી ડાળી,
ઉપર કોયલ ટહૌકા કરે મધુઘોષઃ
હતી એક ઇક્ષુના દંડ સમી બાળી,
-નજર! કેમ કાળી ગોરંભે ભરરોષ?


0 comments


Leave comment