44 - સૂનાં સૂનાં સ્નેહધામ / ન્હાનાલાલ દલપતરામ કવિ


૧.
સૂનાં મન્દિર, સૂનાં માળિયાં,
ને મ્હારા સૂના હૈયાના મ્હેલ રે,
સ્નેહધામ સૂનાં સૂનાં રે:

આધી આશાઓ મ્હારા ઉરની,
કાંઇ આઘા આઘા અલબેલરે,
સ્નેહધામ સૂનાં સૂનાં રે.

૨.
સૂના સૂના તે મારા ઓરડા,
ને એક સૂની અન્ધારી રાત રે,
સ્નેહધામ સૂનાં સૂનાં રે:

પાનાં પ્રારબ્ધનાં ફેરવું,
મંહી આવે વિયોગની વાત રે,
સ્નેહધામ સૂનાં સૂનાં રે.

૩.
સૂની વસન્ત, સૂની વાડીઓ,
મ્હારાં સૂનાં સ્હવાર ને બપ્પોરરે,
સ્નેહધામ સૂનાં સૂનાં રે:

સહિયર સંઘ હું બ્હાવરી
મ્હારે ક્ય્હાં છે કળાયેઅ મોર રે?
સ્નેહધામ સૂનાં સૂનાં રે.

૪.
સૂનું સૂનું આભ આંગણું,
ને વળી સૂની સંસારની વાટ રે
સ્નેહધામ સૂનાં સૂનાં રે:

માથે લીધાં જળબેડલાં,
હું તો ભૂલી પડી રસઘાટ રે,
સ્નેહધામ સૂનાં સૂનાં રે:

૫.
સૂની સૂની મ્હારી આંખડી
ને પેલો સૂનો આત્માનો આભ રે,
સ્નેહધામ સૂનાં સૂનાં રે:

પ્રીતમ ! પ્રેમ કેમ વીસર્યા?
એવો દીઠો અપ્રીતમાં શું લાભ રે?
સ્નેહધામ સૂનાં સૂનાં રે.

૬.
સૂનાં સૂનાં ફૂલે ફૂલડાં,
મ્હારાં સૂનાં સિંહાસન, કાન્ત રે!
સ્નેહધામ સૂનાં સૂનાં રે:

આંબાની ડાળી મ્હોરે નમી,
મંહી કોયલ કરે કલપાન્ત રે,
સ્નેહધામ સૂનાં સૂનાં રે.

૭.
સૂનો સૂનો મ્હારો માંડવો,
ને ચારૂ સૂનાં આ ચન્દની ચોક રે,
સ્નેહધામ સૂનાં સૂનાં રે:

રસિયાને રંગમ્હેલ એકલી,
મ્હારે નિર્જન ચૌદેય લોક રે,
સ્નેહધામ સૂનાં સૂનાં રે.

૮.
સૂનો હિન્ડોલો મ્હારા સ્નેહનો,
ને કાંઇ સૂનો આ દેહનો હિન્ડોલ રે,
સ્નેહધામ સૂનાં સૂનાં રે:

વ્હાલાની વાગે દૂર વાંસળી,
નાથ ! આવો, બોલો એક બોલ રે,
સ્નેહધામ સૂનાં સૂનાં રે.
-૦-


0 comments


Leave comment