7 - પ્રેમસરોવર / ન્હાનાલાલ દલપતરામ કવિ


ભર્યું ભર્યું સરવર ઝૂલતું રે,
રમવાને ત્ય્હાં રૂડું ચાલ, મ્હારા વ્હાલમા!
કાંઠે ઉગ્યાં દેવફૂલડાં રે,
ત્હેની ગૂંથીશું વરમાળ, મ્હારા વ્હાલમા!

રૂડાં ફૂલ, રૂડલું સરોવરે રે,
રૂડલા અતિશય આપ, મ્હારા વ્હાલમા!
કુંજની કુસુમલ છાયમાં રે
ભૂલશું જગત પરિતાપ, મ્હારા વ્હાલમા!

જામી ઉપર પ્રભુની ઘટા રે,
નીચે નીતિની વેલ, મ્હારા વ્હાલમા!
પરિમલ પમરે છે પુણ્યનાં રે,
ઝૂલે મંહી અલબેલ, મ્હારા વ્હાલમા!

પીશું પરમ પદનાં અમી રે,
લેશું અમૂલખ લ્હાવ, મ્હારા વ્હાલમા!
જગત જૂવે ત્હારી વાટાડી રે,
જીવનનાં જંત્ર જણાવ, મ્હારા વ્હાલમા!

કમળો હએ જલ ઝીલતાં રે,
નયનો હસે છે રસાળ, મ્હારા વ્હાલમા
ઉઠ ઉઠ પ્રિયતમ! ઉઠને રે,
પ્રેમસરોવર ચાલ, મ્હારા વ્હાલમા!
-૦-


0 comments


Leave comment