55 - હરિનાં દર્શન / ન્હાનાલાલ દલપતરામ કવિ


મ્હારાં નયણાંની આળસ રે. ન નિરખ્યા હરિને જરી:
એક મટકું ન માંડ્યું રે, ન ઠરિયા ઝાંખી કરી.

શોકમોહના અગ્નિ રે તપે, ત્હેમાં તપ્ત થયાં:
નથી દેવનાં દર્શન રે કીધાં, ત્હેમાં રક્‌ત રહ્યાં.

પ્રભુ સઘળે વિરાજે રે, સૃજનમાં સભર ભર્યાં:
નથી અણુ પણ ખાલી રે, ચરાચરમાં ઉભર્યા.

નાથ ગગનના જેવા રે, સદા મ્હને છાઇ રહે:
નાથ વાયુની પેઠે રે સદા મુજ ઉરમાં વહે.

જરા ઊઘડે આંખલડી રે તો સન્મુખ તેહ તદા:
બ્રહ્મ બ્રહ્માંડ અળગા રે ઘડીએ ન થાય કદા.

પણ પૃથ્વીનાં પડળો રે, શી ગમ ત્હેને ચેતનની?
જીવે સો વર્ષ ઘૂવડ રે, ન ગમ ત્હો યે કંઇ દિનની.

સ્વામી સાગર સરિખા રે, નજરમાં ન માય કદી:
જીભ થાકીને વિરમે રે 'વિરાટ' 'વિરાટ' વદી.

પેલાં દિવ્ય લોચનિયાં રે પ્રભુ! ક્યારે ઉઘડશે?
એવાં ઘોર અન્ધારાં રે પ્રભુ! ક્યારે ઉતરશે?

નાથ! એટલી અરજી રે, ઉપાડો જડપડદા:
નેનાં! નીરખો ઊંડેરૂં રે હરિવર દરસે સદા.

આંખ આળસ છાંડો રે, ઠરો એક ઝાંખી કરી:
એક મટકું તો માંડો રે, હ્રદયભરી નિરખો હરિ.


0 comments


Leave comment