45 - વસન્તમાં, સખિ! / ન્હાનાલાલ દલપતરામ કવિ


ફૂલડે નમેલી ફોરે છ વેલી,
માઝમ રાત અલબેલી,
રસની હેલી રે હેલી વસન્તની, સખિ !

સુણું છું આછેરાં કે કદિ ઘેરાં,
પ્રભુનાં તેજ શાં અનેરાં,
રસિકો કેરાં રે ગીતો વસન્તનાં, સખિ !

કોકિલ કુંજે, ગહન નિકુંજે,
ડોલન્ત મ્હોરના પુંજે,
વનમાં ગુંજે રે પંખી વસન્તનાં, સખિ !

જપી નામમાલા, સ્મરી સ્મરી વ્હાલા,
ભરી સુર સ્નેહના રસાલા,
વાય કો બાલા રે વેણુ વસન્તની, સખી !

લોક ઉલ્લાસે, વિશ્વ વિલાસે,
સોહન્ત ચન્દ્રિકા ઉજાસે,
આત્મા ન હાસે રે કહે કાં વસન્તમાં ? સખિ !


0 comments


Leave comment