47 - સંભારણાં / ન્હાનાલાલ દલપતરામ કવિ


રૂપલા રાતલડીમાં ઉઘડે ઉરનાં બારણાં, હો બ્હેન !
ઝુલે રસપારણાં, હો બ્હેન !
ત્ય્હારે ઝબકે ઝીણાં અતિથિનાં સંભારણાં, હો બ્હેન !
લ‌ઉં હું વારણાં, હો બ્હેન !

શરદ પુનમનો ચાંદલો ઘડી ચમકીને જાય :
વરસ દિવસ વીત્યે, સખિ ! દોહલ દર્શન થાય.

અન્ધારી રજનીમાં ઉઘડે ઉરનાં બારણાં, હો બ્હેન !
ઝુલે રસપારણાં, હો બ્હેન !
ત્ય્હારે ઝબકે અમૃતઅતિથિનાં સંભારણાં, હો બ્હેન !
લ‌ઉં હું વારણાં, હો બ્હેન !

મેઘ ઝરે, રસ નીતરે, આંબો ઝોલાં ખાય :
ખીલે ન મ્હોર, ન મંજરી : સખિ ! નથી આ ઋતુરાય.

સૂની રજનીઓમાં ઉઘડે ઉરનાં બારણાં, હો બ્હેન !
ઝુલે રસપારણાં, હો બ્હેન !
ત્ય્હારે ઝબકે રાજનઅતિથિનાં સંભારણાં, હો બ્હેન !
લ‌ઉં હું વારણાં, હો બ્હેન !

દૂર દૂરની કુંજમાં મોર કરે ટહુકાર :
સખિ ! ટહુકામાં જીવવું, મોંઘા મોરદિદાર.

લાંબી રાતલડીમાં ઉઘડે ઉરનાં બારણાં, હો બ્હેન !
ઝુલે રસપારણાં, હો બ્હેન !
ત્ય્હારે ઝબકે ઉરના અતિથિનાં સંભારણાં, હો બ્હેન !
લ‌ઉં હું વારણાં, હો બ્હેન !


0 comments


Leave comment