૩૦ એ અદ્‌ભુત દૃશ્ય ! / મોહનદાસ કરમચંદ ગાંધી


રૉલેટ કમિટીના રિપોર્ટ સામે એક તરફથી આંદોલન વધતું ચાલ્યું, બીજી તરફથી સરકાર કમિટીની ભલામણોનો અમલ કરવા મક્કમ થતી ચાલી. રૉલેટ બીલ પ્રગટ થયું. હું એક જ વાર ધારાસભાની બેઠકમાં ગયો છું. રૉલેટ બિલની ચર્ચા સાંભળવા ગયો. શાસ્ત્રીજીએ પોતાનું ધગધગતું ભાષણ કર્યું, સરકારને ચેતવણી આપી. શાસ્ત્રીજીનો વચનપ્રવાહ ચાલી રહ્યો હતો ત્યારે વાઇસરૉય તેમના તરફ તાકી રહ્યા હતા. મને તો લાગ્યું કે, આ ભાષણની તેમના મન ઉપર અસર થઈ હશે. શાસ્ત્રીજી લાગણીથી ઊભરાઈ જતા હતા.

પણ ઊંઘતાને માણસ જગાડી શકે; જાગતો ઊંઘે તેના કાનમાં ઢોલ વગાડૉ તોયે તે શાને સાંભળે ? ધારાસભામાં બિલો ચર્ચવાનું ફારસ તો કરવું જ જોઈએ. સરકારે તે ભજવ્યું. પણ તેને જે કામ કરવું હતું તેનો નિશ્ચય તો થઈ જ ચૂક્યો હતો, એટલે શાસ્ત્રીજીની ચેતવણી નિરર્થક નીવડી.

મારીતૂતીનો અવાજ તો કોણ જ સાંભળે ? મેં વાઇસરૉયને મળીને ખૂબ વીનવ્યા, ખાનગી કાગળો લખ્યા, જાહેર કાગળો લખ્યા. સત્યાગ્રહ સિવાય મારી પાસે બીજો માર્ગ નથી એ તેમાં સ્પષ્ટ જણાવ્યું. પણ બધું ફોગટ ગયું.

હજુ બિલ ગૅઝેટમાં નહોતું આવ્યું. મારું શરીર તો નબળું હતું, પણ મેં લાંબી મુસાફરીનું જોખમ ખેડ્યું. મારામાં ઊંચે સાદે બોલવાની શક્તિ ગઈ તે પાછી હજુ લગી નથી આવી. ઊભાં ઊભાં જરાક વાર બોલતાં આખું શરીર કંપે ને છાતીમાં ને પેટમાં મુંઝારો થઈ આવે. પણ મદ્રાસથી આવેલા આમંત્રણને સ્વીકરવું જ જોઈએ એમ મને લાગ્યું. દક્ષિણ પ્રાંતો તે વખતે પણ મને ઘર જેવા લાગતા. દક્ષિણ આફ્રિકાના સંબંધને લીધે તામિલ, તેલુગુ વગેરે દક્ષિણ પ્રાંતના લોકો ઉપર મને કંઈ હક છે એમ માનતો આવ્યો છું, ને તે માન્યતામાં જરાયે મેં ભૂલ કરીછે એવું હજુ લગી લાગ્યું નથી. આમંત્રણ સદગત કસ્તૂરી રંગા આયંગાર તરફથી હતું. તે આમંત્રણની પાછળ રાજગોપાલાચાર્ય હતા એ મને મદ્રાસ જતાં માલૂમ પડ્યું. આ મારો રાજગોપાલાચાર્યનો પહેલો પરિચય ગણી શકાય. હું તેમને દીઠે ઓળખી શકતો આ વખતે જ થયો.

જાહેર કામમાં વધારે ભાગ લેવાના ઇરાદાથી તે શ્રી કસ્તૂરી રંગા આયંગર ઇત્યાદિ મિત્રોની માગણીથી તેઓ સેલમ છોડી મદ્રાસમાં વકીલાત કરવાના હતા. મારો ઉતારો તેમને ત્યાં ગોઠવ્યો હતો. મને એક દિવસ પછી જ ખબર પડી કે હું તેમને ઘેર ઊતર્યો હતો. બંગલો કસ્તૂરી રંગા આયંગરનો હોવાથી મેં એમ જ માનેલું કે હું તેમનો પરોણો હતો. મહાદેવભાઈ દેસાઈએ મારી ભૂલ સુધારી. રાજગોપાલાચાઅર્ય ખસતા જ રહેતા. પણ મહાદેવે તેમને સારી પેઠે ઓળખી લીધા હતા. 'તમારે રાજગોપાલાચાર્યનો પરિચય કરી લેવો જોઈએ,' મહાદેવે મને ચેતવ્યો.

મેં પરિચય કર્યો. તેમની સાથે રોજ લડત ગોઠવવાની મસલત કરું. સભાઓ ઉપરાંત મને કંઈ જ બીજું નહોતું સૂઝતું. રૉલેટ બિલ જો કાયદો થાય તો તેનો સવિનય ભંગ કેમ થાય ? તેનો સવિનય ભંગ કરવાનો લાગ જ સરકાર આપે ત્યારે મળે. બીજા કાયદાનો સવિનયભંગ થાય ? તેની મર્યાદા ક્યાં અંકાય ? આવી ચર્ચા થાય.

શ્રી કસ્તૂરી રંગા આયંગારે એક નાનકડી આગેવાનોની સભા પણ બોલાવી. તેમાં પણ ખૂબ ચર્ચા થઈ. તેમાં શ્રી વિજરાઘવાચાર્ય પૂરો લાભ લેતા. ઝીણામાં ઝીણી સૂચનાઓ લખી સત્યાગ્રહનું શાસ્ત્ર લખી કાઢવાની તેમણે સૂચના કરી. આ કામ મારા ગજા ઉપરવટનું હતું એમ મેં જણાવ્યું.

આમ ગડમથલ ચાલતી હતી તેવામાં ખબર આવ્યા કે બિલ કાયદા તરીકે ગૅઝેટમાં પ્રગટ થયું. આ ખબર પછીની રાતે વિચાર કરતો હું સૂતો. સવારના વહેલો ઊઠી નીકળ્યો. અર્ધનિદ્રા હશે ને સ્વપ્નામાં વિચાર સૂઝ્યો. સવારના પહોરમાં મેં રાજગોપાલાચાર્યને બોલાવ્યા ને વાત કરી.

'મને રાતની સ્વપ્નાવસ્થામાં વિચાર આવ્યો કે, આ કાયદાના જવાબમાં આપણે આખા દેશને હડતાળ પાડવાનું સૂચવવું. સત્યાગ્રહ આત્મશુદ્ધિની લડત છે. ધર્મકાર્ય શુદ્ધિથી શરૂ કરવું ઠીક લાગે છે. તે દિવસે સહુ ઉપવાસ કરે ને કામધ્ંધો બંધ કરે. મુસલમાન ભાઈઓ રોજા ઉપરાંત વધારે ઉપવાસ નહીં રાખે, એટલે ઉપવાસ ચોવીસ કલાકના રાખવાની ભલામણ કરવી. આમાં બધા પ્રાંતો ભળશે કે નહીં એ તો કહી ન શકાય. મુંબઈ, મદ્રાસ, બિહાર ને સિંધની તો મને આશા છે જ. આટલી જગ્યાઓએ બરોબર હડતાળ પડે તો આપણે સંતોષ માનવો જોઈએ.'

આ સૂચના રાજગોપાલાચાર્યને ખૂબ ગમી. પછી બીજા મિત્રોને તુરત જણાવી. સહુએ વધાવી લીધી. એક નાનકડી નોટિસ મેં ઘડી કાઢી. પ્રથમ ૧૯૧૯ના માર્ચની ૩૦મી તારીખ નાખવામાં આવી હતી, પછી ૬ઠ્ઠી ઍપ્રિલ કરવામાં આવી. લોકોને ખબર ઘણા જ થોડા દિવસની આપવામાં આવી હતી. કાર્ય તુરત કરવાની આવશ્યકતા માનવાથી તૈયારીને સારુ લાંબી મુદ્દત આપવાનો વખત જ નહોતો.

પણ કોણ જાણે કેમ, આખું ગોઠવાઈ ગયું ! આખા હિંદુસ્તાનમાં-શહેરોમાં ને ગામડામાં-હડતાળ પડી. આ દશ્ય ભવ્ય હતું.