૧ બાપાની પીંપર / કિરીટ દુધાત


સવારે ઊઠ્યો ત્યાં જ જેંતી આવ્યો.
મેં કહ્યું, આવ દોસ્ત.
એણે કહ્યું, આ નાગજીબાપા હમણાંહમણાંથી ખેલ કરે છે ને કાંઈ !
- કેમ ?
- કાંઈ કામધંધો નો હોય એમ અટાણમાં એક પીંપર્યનું ઠૂંઠું લઈ આવ્યા છે તે ફળિયામાં રોપે છે.
- માળું ખરું કે’વાય ! નકર અટાણે તો નાગજીબાપા ખેતર પૂગી ગ્યા હોય.
જેંતી હસ્યો, તંઈ ઇ જ ખૂબી છે ને જોવાની !
- હમણાં હમણાંથી નાગજીબાપા ખરી ટીકલ કરે છે.
- હાલ્ય તો ખરા, ન્યાં જાંઈ.
- હાલ્ય તંઈ.

નાગજીબાપાના ફળિયામાં ત્રણચાર નાગાંપૂગાં છોકરાં ઊભાંઊભાં સમજ્યા વગર જોતાં હતાં. નાગજીબાપાએ પહેરણ કાઢી નાખેલું. ઊંધું ઘાલીને ખુલ્લા ડિલે ખાડો ખોદતા હતા. હું અને જેંતી જઈને નાગજીબાપાની ઓસરીએ બેસી ગયા એનીય એમને ખબર ન પડી. બારસાખ પકડીને નાગજીબાપાનાં ઘરનાં ઊભાં હતાં. જેંતીએ એમને બોલાવ્યાં, કેમ કાકી ?

કાકીએ મો મરકાવી કહ્યું, મજા છે ગોરદાદા, પણ તમારે મને મા કે’વી જોઈએ ને ? એને બાપા કયો છો ને મને કાકી ?
- નાગજીબાપાની તમારી અરધી ઉમરેય ક્યાં છે ? મારું હાલે તો તો હું તમને ભાભી કંવ ભાભી; પણ નાગજીબાપા મને મારે, ખબર છે ?

કાકી હસીને અંદર જતાં રહ્યાં. જેંતીએ મારા કાનમાં ગુપચુપ કરી, શું પદમણી જેવી બાઈ છે !
તઈંઈં ! મેં કહ્યું, પરભુદા મારા’જ કેતો’તો કે અ કાકીએ જોવ છું ને રુદિયામાં કાંઈકકાંઈક થઈ જાય છે. નાગજીબાપા ય આ ઉંમરે આવી પદમણી જેવી બાઈ ક્યાંથી લાવ્યા હશે હેં ?
- કોઈને કે’તો નૈં, જેંતીએ મારા કાનમાં કહ્યું, મારા ફઈ કે’તાં’તાં કે ઈ તો નાગજીબાપા પૈસા લઈને ઘરઘીયાવ્યા છે.
- તો તો કાકી આંયાં જાજા દી’ ટકશે નૈં હોં. જો ની ઓલ્યો મેરકો કોળી,, એની ઉંમરની ઓલ્યી રળિયાતને ક્યાંથી પૈસા દઈને લવતો’તો તે રળિયાત તો બે-ચાર મૈના રઈને, મેરકાના ઘરમાં હાથફેરો કરી કોણ જાણે ક્યાં વઈ ગઈ – હજી પત્તો લાગતો નથી. એટલે આ પૈસાથી લાવેલા –
- બસ બસ હવે, આ કાકી કાંઈ એવાં નથી હોં, સંસ્કારી ઘરની છોડી છે. મારાં ફઈ કે’તાં’તાંને કે ભલે છોડી નાની રઈ પણ એનું તેજ જોયું છે ? ઈ તો જ્યાં જાય ન્યાં એની શીળી છાયા ફેલાવીને રેય એવી છે. એની પાની જોતાં ખબર પડી જાય કે છોકરી ઘરરખ્ખુ હશે.

પછી અમે નાગજીબાપા ખાડો ખોડતા હતા એ જોવા મંડ્યા. કઠણ જમીનમાં ત્રિકમનો ઘા બહુ ઊંડે સુધી જતો ન હતો એટલે નાગજીબાપાને વધારે બળ કરવું પડતું હતું. જેંતીએ કહ્યું, બિચારા નાગજીબાપા કેટલી કાહતી કરે છે !
- કાકી સાટુ હોં.
- તંઈ, કાકીને તો નાગજીબાપા હથેળીમાં થૂંકાવે છે, એની ટાપટીપ નથી જોતો ?
ત્યાં આઘેથી કાળી ટોપી દેખાણી, મેં જેંતીને કહ્યું જો, મોહનબાપા આવે.
જેંતીએ કહ્યું, હવે ટીકલ જામવાની, જોજે. વાત સાચી હતી. મારા બાપા કહેતા કે આ મોહન જેવો આખાબોલો આપણા ગામમાં તો ઠીક આજુબાજુનાં પાંચ ગામમાં ય નૈં હોય. ભલભલા ફોજદારને ય આ મોહનો બોલવામાં પાછા પાડી દેય.

મોહનબાપા ચાલતાચાલતા ઊભા રહી ગયા. એને બહુ નવાઈ લાગી, આ નાગજી શું કરવા મંડ્યો છે ! એણે પૂછ્યું,
- કાં એલા નાગજી, કેમ ખાડામાં ઊતર્યો છો ? નાગજીબાપાએ સારો એવો ખાડો ખોદી નાખેલો. મોહનબાપાને જોઈ નાગજીબાપા ઓઝપાઈ ગયા. સવાલ સાંભળીને મોઢું સાવ ઊતરી ગયું.
- કાંઈ નહીં મોહનભાઈ, આ તો પીપર્ય રોપું છું.
- એલા તને હમણાંહમણાંથી શું અભરખા હાલ્યા છે ?
- અભરખા તો શું મોહનભાઈ, હમણાંથી તડકો વેઠાતો નથી. તડકો તો ઠીક પણ રોંઢાની તડકી બો’વ આકરી લાગે છે. એટલે થ્યું એદાદ નાનું ઝાડવું હોય તો ઠીક રે’ય.
- ઉનાળો તો પૂરો થાવા આવ્યો હવે તું છાંયડે બેહીબેહીને કેટલું બેહવાનો ? હમણાં ચોમાહું આવશે ને વરસ પૂરું. આવતા વરહની વાત આવતા વરહે. પણ તું આદકપાહળો ખરો ને.

નાગજીબાપાનો ચહેરો તમતમી ગયો. એ બોલ્યા, હું ગમે ઈ કરું છું પણ મારી હદ્યમાં છું ને; તમારા ફળિયામાં કે ઘરમાં માથું મારવા આવું તો કે’વાનું. આ તો – આ તો –
એ થોથવાઈ ગયા.

મોહનબાપા બોલ્યા, બીજાની હદ્યમાં જઈને આવું માદણું કરવા જા તો કોઈ સાંખી લેય ? તોલો નો તોડી નાખે ? પણ ઠીક છે, કે કરવું ઈ વિચારીને કરવું, એટલું બોલી મોહનબાપા થૂંક્યા અને ખમીસની ચાળથી મોઢું લૂછી ચાલતા થયા. એ જતા રહ્યા એટલે નાગજીબાપા એ કચવાટ ચાલું કર્યો :
જરાક જેટલું સારું દેખી એકતા નથી. ગામના લોકો થયા છે – ને કાંઈ હાળા. એમના ક્યામાં રઈં તો ડાયા. નો ગમે ઈ કરો તો અભરખા ઊપડ્યા છે એમ વાતું કરવાના. પીંપર રોપાઈ ગઈ ત્યાં સુધી નાગજીબાપાએ બબડાટ કર્યો. પછી અમારી બન્ને ઉપર નજર પડી તો વડકું ભરી લીધું, એય છોકરાવ ! આંયાં કેમ બેઠા છો ? જાવ ઘેર્યે તમારી માઉં વાટ જોતી હશે. માળા હાળા, કાંક્ય તો આ ભીંગોર્ય જ ચાકડીની છે. જેંતી તરત ઊભો થઈ ગ્યો. મને કે’ય કે –
હાલ્ય, આંય બેહવામાં હવે બોવ મજા નથી.
*
હું અને જેંતી જયારે પણ મળીએ નાગજીબાપાની પીંપરની વાત જરૂરથી કરીએ. જેંતીને આવી બાબતની ઘણી જાણકારી. રોજ નવીનવી વાતો જાણી આવે કે ગામમાં કોણ નોખું થયું ને કોને કોને ભડતું નથી. હું પૂછતો :
- પછી નાગજીબાપની પીંપરે કોંટા કાઢ્યા કે નૈં ?
- હા કોંટા ફૂટતા આવે છે ખરા. વળી પૂછું, પછી આડી વાડ્ય કરી કે નૈં ? શેરભઈ સીદીનો બોકડો જોયો છે ને ?
જેંતી કહેતો, એમ તો નાગજીબાપા પાકું ધ્યાન રાખે છે હોં.
*
એક દિવસ મારાં મોટાં બા કહે જા કાળુ, જેંતીનાં ફઈને બેહવા બોલાયા’વ્ય. હમણાંથી દેખાતા જ નથી.

જેંતી નાતે બ્રાહ્મણ. એનાં ફઈ વારે-તહેવારે છોકરીઓના વ્રતમાં વાર્તા કહેતાં. ગામની બાયુંમાં એમનું ઘણું માન. ઘણી વાર બપોરે જેંતીને લઈને અમારે ઘેર બેસવા આવતાં. અલકમલકની વાતો કરતાં. બાળવિધવા હતાં એટલે એકલવાયું ન લાગે તેથી ભાઈના દીકરા એટલે કે જેંતીને સાથે રાખેલો. બ્રાહ્મણનું ખોળિયું એટલે જેંતીને પણ થોડીક લગન-મરણની વિધિઓ આવડે. એમાંથી ફઈ-ભત્રીજાનું પેટ ભરાતું. ક્યારેક કોઈનાં મકાનનું વાસ્તુ હોય તો બહારગામથી આવેલાં મોટા બ્રાહ્મણો સાથે બેસીને એ પણ ‘હોમ સુવાહા’ કરી લેતો. આમ તો એનું ઠીક ચાલી રેહતું પણ હમણાંથી ગામમાં પરભુદા’ મા’રાજ પાછો આવ્યો ત્યારથી એ પણ લગન કે બીજા પ્રસંગોએ હાજર રહીને પોતાનો ભાગ માગતો. એટલે જેંતીનો ભાગ અડધો થઈ જતો. આમેય ગામ એવડું મોટું નહીં કે બે કર્મકાંડીનું પેટિયું નીકળે. જેંતીનાં ફઈ કહેતાં, પીટ્યા, તારે આવીને આગળ ઉલાળ નૈં ને પાછળ ધરાળ નૈં. આ ગામમાં આવીને અમારાં પેટ પર કાં પાટુ માર્ય ?
પરભુદા’ મા’રાજ, હા – હા – કરતાં દાંત કાઢતો ને કહેતો કે ફઈ –
*

પરભુદા’ મા’રાજ ઊભો ઊભો દાંત કાઢતો હતો. જેંતીના ઘેર જવું હોય તો પહેલાં પરભુદા’નું ઘર આવે, પરભુદા’ ના ઘર પાસે નાગજીબાપાનું ઘર પડે. પરભુદા’ નાગજીબાપાના ફળિયામાં ઊભો ઊભો દાંત કાઢતો હતો. એનો એક હાથ લેંઘાના ખિસ્સામાં હતો. બીજા હાથે જનોઈ રમાડતો રમાડતો કાકીને કંઈક કહેતો તો. કાકી પીંપર પાસે બેસીને વાસણ ઉટકતાં હતાં. હું પરભુદા’ પાસે જઈને ઊભો રહી ગયો. પરભુદા’ કાકીને કહ્યું,
- તમે મારી વાતનો જવાબ નો આપ્યો કાકી, અમારા નાગજીકાકાને એવું તો શું ખવરાવી દીધું છે કે હવે ગામમાં જાજું હળતાભળતા નથી ?
કાકી હોઠ બીડેલા રાખી વાસણ ઉટકતાં હતાં.
- જવાબ તો આપો કાકી, એવુંતો શું ખવરાવી દીધું છે કે પછી કાંઈ પીવરાવી દીધું છે ? કોઈ પિયાલી તો નથી પીવરાવી દીધીને ?
કાકી ખિજાઈ ગયાં, મને શું ખબર્ય ?
એક પછી એક વાસણ લઈ કથરોટમાં બોલી વીંછળવાં માંડ્યા.
કથરોટનું પાણી ધીમેધીમે મેલું થાવા માંડ્યું. એ પાણીમાં કાકીના મોંનો પડછાયો ઝાંખો પાડવા લાગ્યો.

પરભુદા’ કંઈક બોલ્યે જતો હતો. છેલ્લે કાકી ગળણી વીંછળવા મંડ્યાં. પરભુદા’ બોલ્યો ;
- કાકી, ક્યંક તો અમનેય ચા-પાણી પીવા બરકતાં હો તો. બેય એકલાં એકલાં સવાર-સાંજ પી લ્યો છો તે અમને ખોટું નો લાગે ?

બોલતાં બોલતાં પરભુદા’ની નજર ડો’ળા પાણી તરફ ગઈ, કાકી, પાણી તો જોવો સાવ મેલું થઈ ગ્યું છે. બદલાવી લ્યો, બદલાવી લ્યો ને વળી ડંકીય ક્યાં આઘી છે ? લાવો ધમી દઉં તમને ?

કાકી લાલચોળ થઈ ગયાં, ઈ તારે શું પંચાત ? તારી સારાઈ રાખ્ય તારી પાંહે. અમને ય ડંકી ધમતાં આવડે છે, હમજ્યો ? પરભુદા’એ મારી સામે આંખ મારી, કહેવા મંડ્યો; કાકી ગાંડાં જ થ્યાં છે ને ? ધમવા ધમવામાં ફેર હોય કાકી, કોક ધમે તો બે-ચાર ટીપાં પડે ને કોઈ ધમે તો ધળકાના ધળકા છૂટે, સમજ્યાં?

કાકીનાં વાસણો ઉટકાઈ રહ્યાં હતાં. એણે કથરોટમાં ભરેલું પાણી ઢોળી, એમાં વાસણો મૂકી ઘરમાં જવાં ઊભાં થયાં ને કહેતાં ગયાં, તારો ધળકો રાખ્ય તારી પાંહે.

કાકી હજી ઉંબર નહોતાં વટ્યા ત્યાં પરભુદા’એ એનો બીજો હાથ લેંઘાના ખિસ્સામાંથી બહાર કાઢ્યો એની મુઠ્ઠીમાં ચકલી હતી. એણે ચકલીનો ઘા કાકીના પગ પાસે કર્યો.
- એ કાકી, જાળવજો, એરુ છે તમારા પગ પાંહે.

ચકલી કાકીના ઝાંઝર સાથ ભટકાણી. પછી ઉઘાડા આભમાં ફુરુરુરુ ઊડી ગઈ. મને એવું લાગ્યું કે ચકલી કાકીના ઝાંઝરમાંથી નીકળીને ઊડી. કાકી ઘડીક તો બી ગયાં, કદાચ હેઠાં પડી જાત, તરત બારસાખનો ટેકો લીધો. મને થયું, એકાદ તપેલીનો ઘા પરભુદા’ ઉપર કરશે. એમણે એક હાથથી સાડીનો પાલવ માથા પર બરાબર ગોઠવ્યો. પાછળ જોઈને હસ્યાં અને ઘરમાં જતાં રહ્યાં. પરભુદા’ પણ મારી સામે હસ્યો, પછી મારે ખભે હાથ મૂકી કહે;
- ગટ્ટી, ક્યા ધોરણમાં ભણ્ય છો ?

ખિસ્સામાંથી પાવલી કાઢીને મને દીધી, લે, આનો ભાગ લઈને ખાજ્યે ને આ વાત કોઈને કે’તો નૈં. પછી ઊંડો શ્વાસ લીધો, હાલ્ય તંઈ, આજ ગામમાં લીલ પવણાવવા જવાનું છે હજી.
*

તારી જાતનો પરભુદા’. મારું જેંતી ગોઠણિયાભેર થઈ ગયો. એનાં ફઈ મારે ઘેર બેસવા ગયા પછી પરભુદા’ એ આપેલ પવલીમાંથી હું દાળિયા લઈ આવ્યો હતો એ ખાતાં ખાતાં મેં જેંતીને પરભુદા વાળી આખી વાત કહી દીધી. જેંતીએ દાળિયા મુઠ્ઠીથી મોઢામાં ઓરવાને બદલે ફળિયામાં ઘા કરી દીધા. મને કડક અવાજે પૂછ્યું,
- નાગજીબાપા ક્યાં ગ્યા’તા ઈ ટાણે ?
- ઘેર્યે તો નો’તા, ખેતર્ય ગ્યા હશે.

‘હા’ જેંતી બોલ્યો, હમણાં. હમણાંથી નાગજીબાપા ખેતર્યથી બાવળિયા કાપી લાવે છે ને પીપર્ય ફરતી વાડ્ય કર્યા કરે છે. કે’તા’તા કે મજબૂત વાડ્ય કરી લેવી છે. નાગજીબાપા તો વાડ્ય જ કર્યા કરશ્યે.
મેં જેંતીને પૂછ્યું, આ પરભુદા’ હમણાંથી તમારા સીધાંસામાનમાં ભાગ પડાવે છે નૈં ?
- અરે એણ્યે તો પત્તર ખાંડી નાખી છે. મારા બધાંય જજમાનને એની દીમના ખેંચવા મંડ્યો છે. આજ નાના દેસાઈનાકામાં એક લીલ પવણાવવાનાં હતાં. પે’લાં ઈ લોકો અમારી હાર્યે નક્કી કરી ગ્યેલા કે જેંતીને પરભુદા’ને આવવાનું છે, પણ પછી પરભુદા’એ એવો કારહો કર્યો કે ઈ લોકો આવીને ફઈને કૈ ગ્યા, હવે પરભુદા; એકલો આવશે તો હાલશે.
મેં કહ્યું, પરભુદા’ માળો એકલો રેય છે તે પરણીય નથી જાતો.
*

ઉનાળામાં બપોરે બધાં સૂઈ જાય પછી હું ધીમેકથી ઘર બહાર રમવા નીકળી જતો. ક્યારેક હનુમાનજીની દેરીએ બેસતો. ત્યાં પરભુદા’ હોય અને ગંગારામ પણ હોય. બેય જણ દેરી પાસેથી નીકળતી છોકરીઓને જોઈને લટુડાવેડા કરતા. એમાં પણ કોઈ કાળીકૂબડી છોકરી નીકળે તો પરભુદા’ પાનની પિચકારી મારીને મોટેથી બોલે, એ હાક – થૂ... ગંગારામ બોલતો, થૂ – થૂ – થૂ. કોઈ ન નીકળે તો પરભુદા’ દેરીની ઓસરીમાં જડેલ લાદી પર આળોટતો, લાદી પર ગાલ ઘસતો અને કહેતો,
- એલા ગંગારામ, આ લાદી તો બોવ ટાઢી લાગે છે હોં, બોવ ટાઢી.
ગંગારામ કહેતો કે હવે પવણી જા ભામણ, એમાં ઠંડીમાં ગરમી અને ગરમમાં ઠંડી મળે એવી કુદરતી ગોઠવણ્ય છે, સમજ્યો દીકરા મારા ?

પરભુદા’ બેય હાથથી ડિલ ખંજવાળવા મંડતો, પયણીય લીધું બાવા, તને શું ખબર ?
પછી પાનનો ડચૂરો થૂંકીને કહેતો, જો આ પાનની ટેવ છે ને ઈ મને એણે પાડેલી, ઓલી મરાઠણે, સમજ્યો ?
ગંગારામ પૂછતો, સાચેસાચ પરણ્યો’તો હેં ભામણ ?
- તંઈ શું મને સપનું આવ્યું’તું ? પછી પરભુદાની નજર મારા પર પડતી એટલે વાત બદલવા મંડતો, કેમ ગટ્ટી, કેટલામું ભણ્ય છો ?
*

જેંતીએ કહ્યું, ક્યાંથી પવણે, ઈ હાટુ પૈસા જોઈં ને, અમારી નાત્ય કાંઈ મફતમાં છોકરી દઈ દે એવી છે ? માણાવદર રૂના જિનમાં એક વાર ફરવા ગ્યો’તો ને પછી એના પૈસામાંથી જૂનેગઢ્ય ગિરનાર્યના દર્શન કરવા ગ્યો’તો તંઈ કો’ક બાઈને ઘરમાં ઘાલી આવ્યો’તો. ઈ તો કે’તો’તો કે મુંબઈની મરાઠણ્ય છે; પણ એમ કાંઈ બાયું રેઢી પડી છે ! ઈ તો વેશ્યા હતી વેશ્યા. મારાં ફઈ કેતાંતાં ને. ઈ વગર દિવસમાં દહ દહ પાન ચાવી જાતી હશે ? પરભુદા’ય એની વાદેવાદે પાન ચાવવા મંડેલો. પણ પછી એક દી’ શું થ્યું કે એણે પંડે ઈ બાઈને કાઢી મૂકી – કે’ય કે દિવસમાં આટલાંબધાં પાન ચાવી જાય ઈ બૈરું નકામું. ઈ કરતા ધનાબાપા બાબરની બકરી ઓછાં પાંદડાં ચાવતી હશે. બસ, ઓલી બાઈ ગઈ, પણ પાન ચાવ્યા કરે છે ને પિચકારીયું મારી મારીને બધુંય બગડ્યા કરે છે. મારા ફઈએ કીધું કે ‘પીટ્યા, આયાં ગામમાં અમારા પેટ ઉપર પાટુ મારવા ક્યાં આવ્યો ? અમારી દખ્ખાણમાં ભાગ પડાવતો ફર્ય છો ?’
- પછી પરભુદા’ એ શું કીધું ?
- શું કેય ? નફફટની જેમ દાંત કાઢીને બોલ્યો કે ફઈ આપડને તો આ ધૂંવાડો ફાવી ગ્યો છે. માળો આખા ગામના વરા અને દાડા ઉપર નભે છે. વાસ્તુ હોય કે શ્રાદ્ધ બધે પૂગ્યો જ હોય. ઘેર્યે ચૂલાના કરતા એણે બાર્યનો ધૂંવાડો વધુ ખાધો હશે.

પછી હું અને જેંતી ભેગા થઈએ ત્યારે હંમેશની જેમ નાગજીબાપની પીંપર વાત અચૂક કરતા.
- જેંતી, પીપર્ય કોંટા કાઢે છે કે નૈં ? જેંતી કહેતો, હમણાં હમણાંથી તો કાંઈ બોવ ખીલી છે ને, વધ્યે જ જાય છે. નાગજીબાપા ય ચારેય કોર વાડ્ય લીધે જ જાયછે.
પછી જેંતી પૂછતો,
- હવે પરભુદા’ નાગજીબાપાના ફળિયા બાજુ જાય છે ?
- ના, ભૈ, હમણાંથી એને ભાળ્યો નથી.
- ઈ તો ગિલિન્ડર છે, ગિલિન્ડર.

સાંજે હું સીમમાં આંટો મારવા ગયેલો. બધાયના મોલ કેટલા વધ્યા છે એ જોતો હતો એમાં સાંજ બહુ થઈ ગઈ. અચાનક વાદળ ચડી આવ્યાં. ઘડીવારમાં વારસાદ ચાલુ થઈ ગયો. આમ તો ચોમાસું બેઠાને ઘણા દિવસ થઈ ગયેલા. પરભુદા’ કહેતો, વાદળાં ગોરંભાય છે, વીજળીના થોડાં કડાકા થાય છે ને પછી બધું વીંખાઈ જાય છે. અ વરસાદ જે દી’ પડ્યો તંઈ બધુંય વીંખીચૂંથી નાખવાનો છે.

વરસાદ સાથે પવન પણ બાથોડાં લેવા મંડ્યો હતો. મેં મનમાં કીધું હવે ઘેર્યે ભાગીએ, નકર મર્યા છીએ. પવન અને વરસાદ કોઈ દિશા સૂઝવા નહોતા દેતાં. પાદર સુધી માંડ પહોંચ્યો. જેંતીના ઘર પાસેથી નીકળ્યો પણ ત્યાં જવાની ઇચ્છા ન થઈ. આપણે કીધું કે ‘વહેલું આવે ઘર.’ પરભુદા’ના ઘર પાસે જઈને માંડ નાગજીબાપાના ઘર સુધી પહોંચ્યો ત્યાં તો વીજળીનો કડાકો થયો. નક્કી કોઈની લીલી મોલાત ભડથું થઈ ગઈ હશે. વીજળીના અજવાળામાં જોયું તો પીંપર નીચે કાકી ઊભાં હતાં. અને એના ઘરના બારણામાં પરભુદા’ ઊભો ઊભો કાકી સામે જોતો હતો. પવન પીંપરને બરાબરની થપાટો મારતો હતો, એના બળથી પીંપર અડધી ઝળૂંબી જતી હતી. નાગજીબાપા વાડ કરવા બાવળિયાં ખોડેલા એ બધાં વીંખાઈને આમતેમ પડેલાં. મને થયું નાગજીબાપા અટાણેય સીમમાં કદાચ વાડ્ય સારુ થઈને બાવળિયા કાપતા હશે. પછી આગળ કંઈ વિચાર્યા વગર ઘરમાં ઘૂસી ગયો. મોટા બા મારી વાટ જોતા હતા. એમણે મને ધમકાવ્યો. જલ્દી જલ્દી વાળુ કરાવી પથારીમાં ઢબૂરી દીધો. હું પથારીમાં પડ્યો ત્યારે પણ પવન એ વરસાદ ચાલુ હતા. તોફાનનું જોર જોઈ આવતાં છેવટે કંઈ ન સૂઝ્યું એટલે એમણે ભગવાનને દીવો કર્યો. ચૂપચાપ માળા ફેરવવા મંડ્યાં. રાતે ધોધમાર વરસાદ વરસ્યો.
*

ઊઠ્ય ઊઠ્ય અઘોરી, જેંતીએ મને બાવડું પકડી પથારમાંથી ઊભો કરી દીધો. મેં આંખો ચોળી.
- શું છે અટાણમાં ?
- અરે, આ અટાણ છે ? જોતો ખરો કેટલા વાગ્યા છે ? કાલ વાવાઝોડામાં –
મન યાદ આવ્યું, હા એલા કાલ્ય તો વરસાદ કાળા કોપનો મંડેલો. જેંતીને પોછ્યું,
- શું થ્યું એલા ઇ વરસાદમાં ?
- શું થ્યું શું ? નાગજીબાપાની પીંપર પડી ગઈ. ઈ પડી તો ઘોળી, ઘરની દીવાલે ય પાડતી ગઈ. ઘર એક બાજુથી સાવ ઉઘાડું થઈ ગ્યું છે, મોભારોય લબડી પડ્યો છે. વે’લોમોડો ઈય પડી જાવાનો.
હું આંખો ચોળવાનું ભૂલી ગયો.
- હેં જંતી ? પીંપર્ય પડી ગઈ ? ભાર્ય કેવાય.
- તંઈ શું ? જંતીએ કહ્યું, મૂળિયાં સોતી ઊખડી ગઈ, ડાળીએ ડાળી પીંખાઈ ગઈ, પાંદડેપાંદડાં વીંખાઈ ગ્યાં.