6 - દીકરો / કિરીટ દુધાત


સામેથી સવિતામાસી અને ગોદાવરીમાસી ઠીઠીયારા કરતાં આવ્યા. બધાંય લોઈ પી ગ્યાં છે હાળાંવ. બેય જણીયું પાછી પટ્ટાવાળા લેંઘાની પત્તર ફાડશે. ઓસરી પરથી ઊઠી ડેલીની બાર્ય જાતાં રઈએ એટલોય ટેમ નો’તો. આંયા ડેલીમાં એટલે આવતો રહેતો કે ફળિયામાં એકલું એકલું રમ્યા કરાય. બજારમાં આંટા મારતા હોઈએ ને કદાચ હાર્યે ભણતી કો’ક છોકરી આપડને આ પટ્ટાવાળા લેંઘામાં જોઈ જાય. એક વાર જયલી જોઈ ગઈ’તી તે હાળી, દાંત કાઢ્યા કરતી’તી. આંયાય સવિતામાસી, ગોદાવરીમાસી, મગનમામા કે વિઠ્ઠલમામા સખ લેવા નો’તાં દેતા. દી’માં એક વાર તો પટ્ટાવાળા લેંઘાની વાત નીકળે ને નીકળે જ. એમાંથી પછી આખી વાત બીજા પાટે ચડી જાય. સવિતામાસીએ આવતાંવેંત ચાલુ કર્યું :

એલા, પાછો આ પટ્ટાવાળો લેંઘો ચડાવ્યો ? ગોદાવરીમાસીએ ટમકું મૂક્યું;
પાછી ગોઠણે અને ફૂલે બબ્બે બત્તીયું મૂકી છે.
એનાં મોટાંબા એને મારીને પે’રાવે છે, બિચ્ચારો !
એના બાપા તો થેલાવ ભરીને ગર્યમાં કાપડ વેચવા જાય છે તોય ભાણાને જૂના લેંઘા જ ફાડવાના, બોલો.
એને ખોળે બેહાડે પછી નવાંનવાં કપડાં સિવડાવી દેહે.
તે એને ખોળે બેહાડવાની વાતું થાતી’તીને એનું શું થ્યું ?
તે બેહાડે ય ખરા, પછી ભળવું જોઇને ? ક્યાંક પાછા મનુભાઈને ઉતારી મૂક્યા’તા એમ ઉતારી નો મૂકે તો સાચું કે’વાય.

બેય જણીયું ખિખિયાટા કરતી ઘરમાં ગઈ. નવરા માણહની પંચાત્યું આવી ને આવી. પણ મોટાંબા મને હાચીન્ વા’લ કરતાં હશ્યે કે નૈં ? વા’લ કરતાં હોય તો પછી મહોતાં જેવાં કપડાં કેમ પે’રાવતા હશે? બા ગઈ આઠ્યમે આવી’તી તંઈ કેવાં ચલાળા જઈને બે સાડીયું વગર માગ્યે લયાવી એને ચડાવી’તી ? કાળુને જ આવા લીલા પટ્ટાવાળા લેંઘા અને સડી ગ્યેલા બાંડિયા પે’રવાનાં ! તે દી’ હું ખિજાઈને બોલી ગ્યો’તો કે મારે દહમું આંયાં નથી કરવું, જાવ. હું નવમાનું રિઝલ્ટ આવે ઈ ભેગો દાખલો કઢાવી અમદાવાદ બા-બાપુજી ભેગો થઇ જવાનો છું. તંઈ થાંભલી હાર્યે માથાં પછાડીને કેવાં રોયાં’તા ? હું રોકાઈ જાવં ઈ હાટુ ઘીની અગડ હોત્યેન લીધેલી. હું આવું બોલ્યો છું ઈ વાત બાપાને કરી એમાં ઈ ય ત્રણ ચાર દી’ ઢીલાં થઇ ગ્યા’તા. બીજે દી’ બપોર્યે ઈ ઢાંકોઢુંબો કરી સૂઈ ગ્યાં તંઈ, બાર્ય રમવા ભાગી જવા દાદરો ઊતરતો’ તો તંઈ એમના મોઢા હામું જોવાઈ ગ્યું’તું, મોઢા પર સાડકો ઢાંકીને જંપી ગ્યેલા. બેય આંખ્યું ઉપર ઢાંકેલા સાડલાની જગ્યાએ થોડી ભીનાશ વળી ગયેલી. ઊંઘમાં પણ રોતાં હશે ? સંચલ ન થાય એમ હલાણમાંથી બારના સુધી ગ્યો. ઉપરનો ભોગળિયો આખ્ખો બંધ કરી એના કાણામાં આડા ખીલા ભરાવી દીધેલા. આ પહેલા કોઈ દિવસ આમ બારણું દીધેલું. નંઈ. છેવટે પાછો દાદરા ચડી મેડી ઉપર જઈ ઊંઘી ગ્યો. ઊંઘમાં અઠવાડિયા પે’લાંની વાતનું સપનું આવતું’તું.

નિશાળેથી સીધો રમવા જતો ર્યો’તો. તે એમાં મોડું થઇ ગ્યું. ઘડીક તો મોટાંબાએ વાત જોઈ હશે. પછી રેવાણું નૈ હોય એટલે ગોતવા નીકળ્યાં. આપડે તો તળાવ પાળ્યે રમવા જતા ર્યેલા, એમાં ઓહાણ નો'ર્યું. સાવ અંધારું થયું પછી ઘેર્યે ગ્યો. ઈય દીવો કર્યા વગર્ય ઓસરીની કોર્ય બેઠાં રયેલાં. ઘેર્યે પૂગ્યો એવો રાડે ને રાડે સબોડી નાખ્યો. વાળું કર્યા વગર પથારીમાં ટૂંટિયું વાળીને પડી ગ્યો. સગો દીકરો નૈં અટલે આટલો ઢીબ્યો. બા આઠમ કે અગ્યારશ કરવા આવે તંઈ ઘેર્યે પગ ટકે છે ? કેવાં બેનપણીયુંને ન્યા બેહવા જતાં ર્યે છે ! ખાવાટાણે પાંચ ધક્કા ખાઈ તોય ઘેર્યે ગુડાવાનું નામ જ નો લ્યે. ખાવાનું ય હવા ટાઢું થઇ જાય. પછી હું ને મોટાંબા એકલાં જમી લઇ તઈ ઠેઠ આવે. તોય મોટાંબા હસતાં ને હસતાં. પાછાં પૂછે – આવી બટા ?

આવી બટા’વા’વાળા નો જોયાં હોય તો ! આંયા એમને બોલાવવા જઈને ટાંટિયાની કઢી કોની થાય છે ? સવારે ઊઠવામાંય બાનું તો એવું. સાડા નવ-દસ થાય તોય ઘારોડ્યાં કરે. પછી ઊઠે તોય મોટાંબા હસતાં ને હસતાં; ઊઠી બટા ?

બટાબટા શું કરો છો ? મારો ને એનેય બે-ચાર રાડા. અમને તો સબોડી નાખો છો, વળી પાછી ઘીની બાધાયુ લ્યો છો ? આ વખતે તો બાની હાર્યે ધીરરૂ આવ્યો છે. છે સાવ કરગઠિયા જેવો તોય ઘડીનો જંપ નૈં. મારું આખું દફતર વીંખી નાખે છે. ચોપડિયુંનાં પૂંઠા ઉતારીને એનાં ચિત્રોમાં બાયુંને મૂછ્યું કરી નાખી છે. પેન્સિલું છોલી છોલી અણિયું બટાકાવ્યા કરે છે. પાછા બા કે મોટાંબ એને કાંય કે’વાનાં નૈં, બોલો. મને જ કીધા કરે કે તું મોટો છો, તારે સમજવું જોઇને ? ઈ ભાઈ મારા બધાય ભાઈબંધુ હાર્યે બાથ્યા છે, હું નો હોવં તો બધાય એને ઠમઠોરી નાખે. કાલ્યે રેડિયો વગાડવાની વાતે એનો જ વાંક હતો. મારે સિલોન વગાડવું’તું. ઈ કે’ય કે નૈં મારે તો બાપુનગર વગાડવું છે. રેડિયામાં કાંઈ બાપુનગર આવતાં હશે ? મેં એના વાહામાં જોરથી ઢીંકો માર્યો, તે ગ્યો રોતો રોતો બા પાંહે. બાએ મારું કાંઈ હાંભળ્યા વગર્ય મારા હાથમાંથી રેડિયો આંચકી પટારામાં મૂકી દીધો. મને બંધ કરાવાય નો દીધો. પછી ઈ ધીરિયાને ખોળામાં બેહારી બકા ભરીને છાનો રાખ્યો. ઉપરથી ચડી બારીમાં સાંકડય મુકડ્ય ગોઠવાઈને બેહી ગ્યો. બજારમાં જી કોઈ નીકળે ઈ ઊંચું જોઇને પૂછે, કેમ છે ભાણા ? તો પટ્ટ કરતોક ને જવાબ દઉં, પડે તમને પાણા.

હું હેઠો ઊતરવાનો નહોતો. છેવટે બાપા આવ્યા. સમજાવીને માંડ હેઠો ઉતાર્યો. પોતાની સાથે જમવા બેહાડ્યો. બાપાએ બાને કાંઈ કે’વાને બદલે મોટાંબાને ઠપકો આપ્યો : એક વરહ પછી અમદાવાદ વયો જાવાનો છે પછી તો આપડે બે ય સાવ એકલા પડી જાશું, તંઈ આ દિવસ-રાત્ય હાંભરશે. દીકરો નથી પણ આ દીકરીનો દીકરો છે એને તો બરાબર્ય સાચવો.
આ સાંભળી મોટાંબા ઢીલાં પડી ગયાં;
હું તો કે દી’ની કવં છું કે આને ખોળે બેહાડી લેઈ, એવું બબડ્યાં.

આ સાંભળી બાપા કાંઈ બોલ્યા નૈં. નીચું જોઈ કોળિયા ભરવા મંડ્યા. એના સબડકા સિવાય ઘરમાં બીજો કોઈ અવાજ આવતો નહોતો. હમણાથી ખોળે બેસાડવાની વાત નીકળે એટલે બાપા સાવ છાનામુના થઇ જાય છે. એમને જગુદાદા અને મનુની વાત યાદ આવતી હશે.

જગુદાદાની વાતે ગામમાં બધાય ખિખિયાટા કરતાં. આમ ઈ ખાધેપીધે સુખી પણ છોકરાં-છૈયા નૈં. છેવટે બાધા આખડીથી કંટાળી એણે એના ભત્રીજા મનુને ખોળે બેસાડેલો. ઈ પ્રસંગે આખા કોરાટ કુટુંબને ઘુવાડાબંધ જમાડેલું. ગમે એમ તોય ખોળે બેઠાં પછી મનુનાં વર્તનમાં ફેર પડી ગ્યેલો. જગુદાદા ખાધે-પીધે સુખી હતા ઈ વાત ગામમાં બધાંય જાણતાં. લાખ બે લાખ નાખી દેતાંય એની પાંહેથી નીકળે, એમેય વાતું થાતી. મનુએ આ બધાય પૈસા વાપરવાની ફૂલટાઈમ જવાબદારી સ્વીકારી લીધી. કુટુંબી બાયુંએ ટપાર્યો તોય માન્યો નૈં.

તોછડાઈથી જવાબ દઈ દેતો, હવે તો બધુંય મારું જ છે ને ? ભાભા-ડોસીને એરુ થઈને ખજાના ઉપર્ય બેહવું હોય તો ભલે ફુંફાડ્યા માર્યા કરે. મારે ઈ મારે ન્યા સુધી વાટ જોવાની ? વખત એવો આવ્યો કે જગુદાદાને ઘરેણાંનો ડબરો દરરોજ જુદી જુદી જગ્યાએ સંતાડવો પડે. એક-બે વાર કુટુંબીઓને ઘેર્યે જઈને સંતાડી દીધેલો, મનુએ ન્યાં જઈને ધડબડાટી બોલાવેલી એટલે પછી કોરાટ કુટુંબનાં બધાય જગુદાદા અને મનુની વાતમાં પડવાની હિંમત કરતાં નૈં. જગુદાદાએ મનુને ખોળે બેહાડેલો તે દી’થી એને ભત્રીજો નહીં, દીકરો માનેલો. પોતે જો મનુને ઊંચા સાદે કાંઈ કહેશે તો બધાં એમ માનશે કે મનુને દીકરો નહીં પણ ભત્રીજો માને છે, એ બીકથી કાંઈ બોલી શકતા નહોતા. આ બધુય હાલતું’તું તોય જગુદાદા ખમી ખાતા’તા, પણ ડોશી આઘાતમાં બીમાર પડી ગ્યાં. આ બધું જોઇને બે-ચાર કોઠાડાયા માણસોએ ટકોર કરી, જગુભાઈ, આ તો દીકરો લેતાં પંડ્યનું માણહ ખોવાનો વારો આવશે, છેવટે હારીને જગુદાદાએ કંટાળી મનુને ખોળેથી ઉઠાડી મૂક્યો. એમાં જગુદાદાને અને એના ભાઈને બોલવા વે’વાર પણ નો ર્યો. જગુદાદાને અને ડોશીને ઘરબાર્ય નીકળવું ભાર્યે થઇ પડેલું. અટાણ હુધી કોઈ જગુદાદાની ગેરહાજરીમાંય એલફેલ બોલવાની હિંમત નહોતું કરતુ. એમાં હવે આખા ગામમાં એ મેણા મારવા જોગ થઇ ગ્યા. એ પછી કોણ જાણે કેમ પહેલાં કોઈ ખોળે બેસાડવાની વાત કરતુ તો બાપા કાન દઈને સાંભળતાં, હવે સાવ ચૂપ થઇ જાય છે.

મને વિચાર આવતા કે કદાચ ખોળે બેઠાં પછી મારી સાખ પણ બદલાઈ જાય. દુધાતને બદલે પટેલ કરાવવી પડે. પછી હું દુધાત કેવાઉં કે પટેલ ? પછી તો પટેલ જ કેવાઉં. આ દુધાત-પટેલ અને પટેલ-દુધાતવાળું સાંભળીને પસાબાપા દાંત કાઢવાના;
કેમ ભાણા આપડે તો તને પે’લેથી જ મીણ કે’વરાવી દીધેલું ને કે તું દુધાત્ય નથી.

પસાબાપાનો એકમાત્ર શોખ : ચોરે બેસીને છોકરાંવને કવરાવવાનો. ધ્યાન નો હોય એમ ઝપટ કરીને પકડી લેય પછી હાથ, કાન મવડતા જાય, પડખામાં ચીરોટીયા ભરતા જાય ને પૂછતા જાય; બોલો તમે કેવાં ?
છોકરો કે’ય કે અમે રાદડિયા.
એટલે પસાબાપાનો ચરખો ચાલુ થઇ જાય; બોલ્ય, હું રાદડિયા નથી. એમ કહીને છોકરાનો હાથ માવાડે; બોલ્ય, હું રાદડિયા નથી.

છતાંય છોકરો કબૂલ ન કરે તો જોરથી કાન મવડે; બોલ્ય, હું રાદડિયા....
પછી છોકરો હરફ ન કાઢે તો પોતાના બેય પગથી છોકરાનાં પગને આંટી મારે,
બોલ્ય હું –
જેવું તેવું છોકરું તો બોકાહાં નાંખી જાય. નાકમાંથી ધુંવાડા નીકળવા મંડે. આમાં ક્યારેક મારો વારો ય ચડી જાય. આપડી જાણ્ય બાર્ય ઝપટ મારી પકડે ને પૂછે;
ભાણા, તમે કેવા ?
અમે દુધાત્ય.

બોલ્ય, હું દુધાત્ય નથી, કહી પસાબાપા કાન, હાથ મરડે, પગને આંટી મારી ભોંય ઉપર પછાડી દેવાના ધમપછાડા કરે ને બોલતા જાય; બોલ્ય....

આપડા કાન લાલચોળ થઇ જાય, આંખ્યમાં જળજળિયા તબકવા મંડે. ગોઠણ સાંધામાંથી બટકું બટકું થાવા મંડે. મોઢું પરસેવે રેપઝેપ ને રાતુંચોળ થઇ જાય. મનમાં ગમે એટલું નક્કી કર્યું હોય કે આ વખતે નમતું મેલવું નથી, ફાવે ઈ થાય, પણ આપણી જાણ્ય બાર્ય મોઢામાંથી નીકળી જાય : એ મેલી દ્યો, કવ છું મેલી દ્યો, હું દુધાત્ય નથી, હું દુધાત્ય નથી. આ સાંભળી પસાબાપા ધીમેથી મૂકી દે. પછી ખિસ્સામાંથી બીડી કાઢે, અવળી કરી મોઢામાં મૂકી જોરથી ફૂંક મારે પછી સવળી કરીને મોઢામાં બરાબર્ય ગોઠવે ને દીવાહળીથી ઝગવે પછી ઝીણી આંખ્ય કરી બે-ચાર કસ લે’ ને ઠપકાભર્યા અવાજમાં કે’ય; તારામાં કાંય તેવડ ન મળે, શંભુપરામાં સેંજલિયાનો છોરો છે એને ગમે એટલો કવરાવો તોય કાંઈ અસર નૈં. સહન નો થાય તંઈ રોવા માંડે પણ મોઢામાંથી હરફ નો કાઢે કે; ના ના ! અમે સેંજલિયા નથી. તું તો ભાણા સાવ પોચો. આપડને મનમાં બહુ શરમ આવે કે હારોહાર્ય થોડુંક વધારે સહન કર્યું હોત તો સારું. આ બોલ્યા હવે તો મન મક્કમ રાખવું છે. પણ છેલ્લી ઘડીએ ધાર્યું નો રે. પસાબાપા મને ખોળામાં બેસાડવાની વાત સાંભળીને દાંત કાઢશે, કહેવાના;


ઠીક તંઈ હવે ભાણા તારે કબૂલાત કરવાની નો રઈ, તારી જાત્યે જ માની ગ્યો, કહીને ખિસ્સામાંથી બીડી કાઢી દોરો બરાબર તપાસશે.

સંસ્કૃતના પિરિયડમાં વ્યાસસાહેબ ઉદાહરણ આપીને વિભક્તિ સમજાવતા હતા એવામાં નિશાળનો પટાવાળો બોલાવવા આવ્યો; હાલ્ય ભાણા, મોટાસાબ્ય બોલાવે છે, તારા પૈસા મનિયાડરમાં આવ્યા છે અટલે. હું ઊભો થયો એટલે વ્યાસસાહેબ બોલ્યા; તારું દફતર લેતો જા, હવે સ્કૂલ પૂરી થવામાં પાંચ મિનિટની વાર છે.

હું દફતર ખભે નાખી હાઈસ્કૂલમાંથી નિશાળમાં ગ્યો. પોસ્ટઓફિસમાં મોટાસાબ્ય ટપાલું જોતા’તા. મને પૂછ્યું, કોણ છો ભાઈ ? પટાવાળો બોલ્યો, ભાણો છે. મનિયાડર આવ્યું છે ને ઈ.

મોટાસાબ્ય નવા આવેલા; અચ્છા, અચ્છા ! જૂના ભાવનગર રાજ્ય તરફથી તમારે નામે શિષ્યવૃતિના પૈસા આવ્યા છે.

પછી અચકાઈને કીધું; પણ આ તો જુનું ગાયકવાડી સ્ટેટ છે ને ? પછી અહીં જૂના ભાવનગર રાજ્યની શિષ્યવૃત્તિ....

એમની વાત અધવચ્ચેથી કાપી હું બોલ્યો; ઈ તો હું આંયા મારા મોહાળે રેવ છું, અટલે, આ ગામ ભલે ગાયકવાડી ર્યું, અમે મૂળ ભાવનગર રાજ્યની રૈયત.

મોટાસાબ્યે મારા હાથમાં શિષ્યવૃત્તિના પૈસા મેલ્યા, પછી કે’ય;

તમારી સ્કૂલની ટર્મ અર્ધી થવા આવી એટલે અત્યાર સુધીમાં પુસ્તકો અને નોટબુકો ખરીદી લીધી હશે. હવે આ પૈસામાંથી એક સારું પેન્ટ અને શર્ટ સિવડાવી લેજો. એટલું બોલી એ મારા પટાવાળા લેંઘા સામું જોઇને મરક્યા. પટાવાળો ય બોવ મજા પડી ગઈ હોય એમ દાંત કાઢવા મંડ્યો.

મેં ઘેર્યે આવી દફતરનો ઘા કર્યો. પૈસા ય છુટ્ટા ફગાવ્યા,
ન્યાં બધાંય મારા ફાટેલાં કપડાંની મશ્કરિયું કરે છે, હવે હું આવા લેંઘા-બેંઘા નથી પે’રવાનો જાવ.

સાંભળીને મોટાંબા ખિજાણાં; મોટો જાટલીમેન નો જોયો હોય તો, કેમ નથી પે’રવાનો ?
બાપા ચશ્માં ચડાવીને ટપાલ વાંચતા’તા, ઈ બોલ્યા;
બહુ તોફાન કરીશ તો તારી બાને કઈ દેવું પડશે. એની જ ટપાલ છે, આવતા દિતવારે આંયા આઠ્યમ કરવા આવે છે. મને પેટમાં તેલ રેડાણું;

હાર્યે ધીરિયો હોતેન આવે છે ?
હા કહીને બાપા મલકાણા;
જો લખે છે કે હમણાથી ધીરુ બો’વ તોફાની થઇ ગ્યો છે, ન્યાં આવીને મોટાભાઈ હાર્યે બાથોડા લેહે.

હું ધીમે પગલે બહાર નીકળી ગ્યો. થોડું હાલી ચોરાના પગથિયે બેસી પડ્યો. થોડીવાર પછી પાંહેથી અવાજ આવ્યો;
કેમ છો દુધાત્ય ?
બાજુમાં પસાકાકા બેહીને ઝાપટ મારવાની તૈયારીમાં હતા. એમણે ઝાપટ મારી મને પકડવાનો પ્રયત્ન તો કર્યો પણ ફાવ્યા નૈ. જોરથી કૂદકો મારીને હું આઘો પહોંચી ગ્યો. કૂદકો મારવાની લાયમાં મારો પટ્ટાવાળો લેંઘો ‘ચરડ’ દઈ ફાટી ગયો.


0 comments


Leave comment