7 - ભૂત / કિરીટ દુધાત


‘લે ભૂત આવ્યા છે ને શું ?’ કહેતા દેવશીબાપા હસી પડ્યા. ભૂત નેપોલિયન બોનાપાર્ટની અદાથી બે હાથ પાછળ રાખીને ઊભા હતા તે આ સંબોધન સાંભળી દેશી બાવળના ઠૂંઠા જેવા થઈ ગયા . આપણને એમાં ખાસ રસ નહોતો . હું એકધારું દેવશીબાપાના મોઢા સામે જોઈ રહેલા . દેવશીબાપા એક વાર જોરથી દાંત કાંઠે તો જલસી પડી જાય . એક વાર એણે ખી..ખી કરીને એટલા જોરથી દાંત કાઢેલા ને કે પેટમાંથી આવતી પુરપાટ હવાના ધક્કાથી એમનું ચોકઠું તીર વેગે ઊડીને વેકરામાં જઈ પડેલું . હમણાં હમણાંથી ગામમાં જોવા જેવું કાંઈ ખાસ બનતું નહોતું એટલે આવું કાંક બની જાય તો આ દુકાળમાં બે-ત્રણ દિવસ આનંદમાં પસાર થઈ જાય બીજું તો શું વળી . પણ ત્યાં તો ‘આવો આવો’ – નું વાતાવરણ રચાઈ ગયું. ખાટલો ઢાંળી એના ઉપર્ય ધડકી પાથરી ભૂતને બેસાર્યા, બીજી શું નવાજૂની ? જેવા સવાલો પુછાયા. બસ તમે હંભળાવો ઈ જેવા જવાબ દેવાયા એટલે વાતવરણ ગંભીર થઈ ગયું. પછી દેવશીબપાએ ભૂતને પૂછ્યું, કેમ ભૂત, સાવ ઓચિંતા દેખાણા ? એટલે ભૂતે ધડકી ઉપર ‘વાપરનાર સુખી રેજ્યો’ શબ્દો ઉપર ધૂળવાળી હથેળી ધસતાં ધસતાં બાપા સામે જોઈ બીતાં બીતાં કીધું કે કુંવળ લેવા.

આ ભૂત એટલે નરસીમામા. મૂળ વાત એમ કે કાઠિયાવાડ આખામાં સોળ આની વરસ હોય ત્યારે નરસીમામાના ગામમાં બિયારણ પૂરતું અનાજ માંડ થાય. પાછી ચોમાસાની એક જ મોસમ લઈ શકાય. સામે પક્ષે અમારા ગામમાં નવી શરૂ થયેલી નહેર એટલે ખેડૂત જો ચોંપ રાખે તો વરસમાં ત્રણ પાક સહેજે લઈ લે. એટલે અમારે મોસમમાં એક-બે કામઢા માણસની કાયમ તાણ્ય રહ્યા કરે. એક વાર નરસીમામાએ ટપાલ લખીને કે’વરાવેલું, ખળાટાણે અમારા લાયક કાંઈ કામકાજ હોય તો કે’ વરાવજ્યો. એટલે બાપાએ એમનું કામ જોવા, એક મોસમ કરવા તેડાવેલા તે બદલામાં વરસ નીકળી જાય એટલા દાણા આપેલા. પછી એ નિયમ તરીકે ખળાટાણે આવી જ જતા. વરસ નીકળી જાય એટલું અનાજ લઈ જાય.

અમારું, દેવશીબાપાનું અને બીજા બે-ત્રણ જાયુંભાયુંનું ખળું એકસાથે લેવાતું. એક વાર રોંઢે અમે ચા પીવા બેઠેલા ત્યારે નરસીમામાએ મારા ખભે હાથ ઠબકારીને કીધેલું, ભાણા ચાનું છાલ્યું અંબાવજે. મારાથી છાલિયું હાથમાં લેતા તો લેવાઈ ગયું પણ ચા એવી ફળફળતી’તી કે રાડ્ય નખાઈ ગઈ, માંડમાંડ ખળાની ટાકરડી ઉપર મુકાણું શું થ્યું ભાણા ? પૂછીને નરસીમામાએ છાલિયું ઉપાડી લીધું. મેં કહ્યું, બોવ ગરમ છે હો, તમારો હાથ નો બળ્યો ? નરસીમામાએ પોતાની હથેળીમાં નજર નાખીને દાંત કાઢતા કીધું,મારા હાથ તો ભાણા પેલેથી બળી ગ્યા છે. બાપા તિરસ્કારથી બોલ્યા, એના ડઠ્ઠર હાથ નથી જોયા તે ? એટલે નરસીમામાએ મને એમની હથેળી બતાવી. લીંબડાની છાલ જેવી હથેળીની બધી આંગળીઓના મૂળમાં વેઠા પડી ગયા’તા. મેં કીધું, આ માણહ જબરું વળી. દેવાશીબાપાએ કાન ખોતરતાં ખોતરતાં કીધું, ન્યા ઈ ક્યાં માણહ છે, ભૂત છે, હમજ્યો ? એ સાંભળી નરસીમામાનું મોઢું પડી ગયું. મારી સામે જોઇને હસ્યા. બાપા તિરસ્કારથી મોઢું ફેરવી જોવા માંડયા.

આ રીતે નરસીમામા ભૂત કહેવાણા. ભૂત પાછા ખેતરનું જ કામ કરે એવું નહી હો. ઢોર દોવા ટાણે બા ક્યાંક આઘાંપાછાં થ્યા હોય તો ‘લાવો હું દોઈ નાખું’ બોલતાક દામણાથી ભેંસના પાછલા પગ બાંધી, બોઘરામાં થોડુંક તાજું પાણી લઈને બેસી જાય દોવા. દાબોય એ જ કાઢે ને વળી પાછા ખેતરમાં એની સરસ મજાની ઉથરેટીઓ બનાવી દે. પણ ભૂત જેમ જેમ વધારે કામ કરે એમ બાપાની એમના ઉપર રીસ વધતી જાય. ભૂત એ બદલ માફી માંગતા હોય એમ બમણું-તમણું કામ ઢવડયાકરે. એક વાર અમે બેય દામો કાઢતા’તા ત્યારે બોલી ગયેલા કે ‘આવતું વરહ ઠાકર મા’રાજ સારું કાઢી દે’તો તારા બાપનાં દરહણેય કરવાં નથી.’ પણ એમના એક પછી એક વરસ નબળાં જ થતાં ગયાં. આ વરસે એમનાં ઢોર-ઢાંખર માટે ચાર્ય પણ ન થઈ. ભૂતને આ વાતની અગાઉથી ખબર હોય એમ અમારા ખેતરને શેઢે ઘ્યાન દઈને સરસ મજાનો કુંવળનો ઢગલો કરી દીધેલો. ઉપર કટલાં ઢાકી આજુબાજુ બાવળના ગાળિયા કરી દીધા. એને બાપા ઉપર પૂરી શ્રદ્ધા કે ટપાલ લખીને : ‘કુંવળ જોતું છે, તમારી રજા હોય તો ગાડું ભરી જાઈ’ એવું પુછાવશું તો બાપા ચોક્કસ ના લખી નાખવાના – એટલે કઈ પૂછ્યા ગાછ્યા વગર એક સવારે હાજર થઈ ગયા, ‘કુંવળ લેવા આવ્યો છંવ.’ આ રીતે કુવળ લેવા આવ્યા એટલે બાપાને તો ખાઈ ગઈ. ખોટો દેકારો ન થાય એટલે મગજ કાબૂમાં રાખ્યા. ત્યાં દેવશીબાપાને ખબર પડ્યા કે ભૂત આવ્યાં છે એટલે એમને ચા પીવા બોલાવ્યા. ભૂતે અને દેવશીબાપાએ થોડીઘણી વાતો કરી પણ બાપા ખીજમાં મુંગા બેઠા રહ્યા. ત્યાંથી ઊઠી ઘેર આવ્યા એટલે બાપાએ બાને કહ્યું, ’તું રાંધી નાંખ્ય ત્યાં લગણ અમે કુંવળ ભરતા આવીએ.’ બા બબડ્યાં, પે’લાથી કઈ ને ટીચાતા હોય તો શું ખાટુંમોળું થઈ જાવાનું હતું વળી.
***

સવારના માંડ અગિયાર થયા હશે પણ સીમ સાવ સૂમસામ થઈ ગયેલી.ચારેબાજુ પીળો બડખા જેવો તડકો પડતો હતો. બાપા અને ભૂત તો ધોળા ધરમેય એકબીજા સામે વાત ન કરે. આ ભેંકાર સીમમાં એમનું દાઝભર્યું મૌન અને ગાડાનાં પૈડાં નીચે કચડાતા વેકારનો અવાજ સાંભળી સાંભળીને કાનમાં એવી ધાક બેસી ગઈ કે મને બાપા ઉપર દાઝ ચડી, ’અરે, કુંવળ ન આપવું હોય તો કઈ દ્યો ને ભૂત હાલતા થઈ જાય પણ કાંક્ય સરખી રીતે વાતચીત તો કરો.’ પણ આખા રસ્તે ન તો બાપા કંઈ બોલ્યા ન ભૂતે કોઈ વાત ઉચ્ચારી. ખેતરે પહોચી ભૂતે કુંવળના ઢગ પાસે ગાડું ઊભું રાખ્યું. બેય સાઈડ ઉપર કટલા ભરાવ્યા, જેનાથી ગાડામાં કુંવળ ભરી જવાય. પાછળથી પાટિયું ખોલી ભૂતે ખંપાળીથી કુંવળ ભરવાનું ચાલુ કર્યું. બાપા કેડ પર હાથ રાખીને ગાડાની બાજુમાં ફોજદારની જેમ ઊભા રહ્યા. ભૂતે કુંવળમાં એક, બે ને ત્રણ ખંપાળી મારી ત્યાં ઉપરના મેલા કુંવળ નીચેથી પીળું ઘમરક કુંવળ ઝગારા મારવા માંડ્યું. ભૂતે પણ જાણે સોનાની પાટો ભરી જવાના હોય એમ બમણા જોર થી કુંવળમાં ખંપાળી મારવા મંડ્યા. થોડી વારમાં ગાડાની કડ સુધી કુંવળ ભરાઈ ગયું. ઝડપથી ઊંચું ને ઊંચું આવતું ગયું. હમણાં કટલાની કડે આવી જશે એવું લાગ્યું. પણ કટલાના પોણાભાગે કુંવળ પહોંચ્યું ત્યારે બાપા જે બાજુ ઊભેલા એ કડલાની સાંઠીઓ ‘ક...ડ...ડડ’ જેવો બાતલ અવાજ કરીને લબડી પડી. એ તૂટી ગયેલા કડલાની જગામાંથી કુંવળ ફસકીને બાપા ઉપર દેવોની પુષ્પવૃષ્ટિની જેમ વરસ્યું. આ ઘટના જાણે બિલકુલ અસહ્ય હોય એમ બાપાની આંખ ફાટી. ગુસ્સાથી ધ્રૂજતા ધ્રૂજતા, ‘તારી જાતના ખરપા’ બોલતાકને બાજુમાં પડેલી ખંપાળી ઉઠાવી નીચે ઊભાં ઊભાં ગાડામાં ઊભેલા ભૂતને ફટકરી. એન ટાઈમે ભૂતે માથું પાછળ ન કર્યું હોત તો ખંપાળીના બે-ત્રણ દાંતા એના માથામાં ખૂંપી જાત. તોય બે-ત્રણ દાંતા કપાળમાં છરકો કરી ગયા. કપાળમાંથી ઝમેલું લોહી ભૂતની પાંપણો પર ટપકીને ચહેરા પર રેલાઈ ગયું. ખંપાળીનાં ધક્કાથી ગાડામાં બેસી ગયેલ ભૂત એકાદ મિનિટ સાવ ગુમસુમ ત્યાં જ બેઠા રહ્યા. પછી આઘાતમાંથી બહાર આવતાં હોય એમ ઊભા થઇ ગાડામાંથી ઠેકડો માર્યો. મને થયું કે હમણાં બેય જણા બાથંબાથ આવશે, ઢીંચુક... ઢીંચુક... ઢીંચુક પણ ભૂતે ઉભડક બેસીને હથેળીમાં થોડી ધૂળ લીધી, પછી હથેળીમાં હલાવી હલાવી એમાંથી જાડી ધૂળ નીચે પડવા દીધી. છેલ્લે રેશમ જેવી લિસ્સી રજ વધી એ માથાના ઘામાં ભરી. પછી મારી સામે તાકી રહ્યા. પહેલી વાર મેં એની આંખમાં સહેજ ભીનાશ જોઈ. ત્યાં બળદે જોરથી માથું ધુણાવ્યું, એટલે એના ગળાની ટોકરી રણકાર કરવા મંડી. એટલે ભૂતે ચમકીને ચારેબાજુ જોયું. પોતે ક્યાં છે એનું ભાન થયું હોય એ રીતે અમે ખેતર આવ્યા. પછી પહેલી વાર બાપા સાથે વાત કરી, બીજા કટલાની સગવડ થાશે ખરી ? બાપા ખિજાણા, આંયા સીમમાં બીજું કટલું મારે કાઢવું ક્યાંથી, હવે ? આ ગાડામાં સમાય એટલું જ લઇ જા. પછી ભૂતે હાથ ભાંગી ગયા હોય એમ વધારાનું કુંવળ ઢગલામાં ધીમે ધીમે પાછું નાખ્યું અને બેય કટલા કાઢી નાખ્યા. ગાડામાં દાબીદાબીને કુંવળ ભરવાનો દાખડો કર્યો પણ એ રીતે વળી કેટલું કુંવળ સમાય ? પછી ગાડું જોડીને અમે ત્રણેએ ગામ બાજુ પરિયાણ આદર્યું.
***
બાએ ચૂરમાના લાડવા ને અડદની દાળ બનાવ્યાં હતાં. જમતાં જમતાં બાપા અચાનક આનંદમાં આવી ગયા. તાણ્ય કરીને ભૂતને એક લાડવો વધારે ખવરાવી દીધો. પાછા મને ઠપકો આપવા માંડ્યા, ‘તું કેમ તારા મામાને આગ્રહ નથી કરતો, આવો ને આવો ક્યાં સુધી રઈશ ? એટલે વળી મેં ઊભા થઈને અડધો લાડવો ભૂતની થાળીમાં નાખ્યો.

જમી લીધા પછી આડા પડવાને બદલે ભૂતે નીકળવાની તૈયારી કરવા માંડી. બાએ આગ્રહ કર્યો, હવે રોંઢે જ ગાડું જોડજ્યો.’ ભૂતે કીધું, ‘અટાણે વે’તા થાઈં તો દી’ આથમ્યા મોર્ય ગામમાં પુગી જવાય ને ? પછી ઘેર્યે આરામ જ છે ને ઓણ સાલ્ય.’ કહીને મારા હાથમાં બે રૂપિયા મૂક્યા. ગાડું જોડી, ‘લ્યો આવજો તંઈ બધાય’ એવું બોલ્યા. બાએ તરત મારા હાથમાંથી રૂપિયા લઈ એની ટંકડીમાં મૂકી દીઘા.મેં કીધું, હું પાદર સુઘી મામાને વટાવી ગાડું સ્મશાન પાસે થઈ શંભુપરાના માર્ગે ચડ્યું. મને પાછળ ચાલતો આવતો જોઈ એમને ગાડું ઊભું રાખ્યું ને બોલ્યા, ’હવે આયાથી પાછો વળી જા ભાણા, આંઆંયાથી ઉજ્જડ સીમ શરૂ થાય છે.’ હું ઊભો રહી ગયો એટલે એમણે ‘હેં......હેં’ કરીને બલદનાં પૂંછડાં મરડ્યાં. ગાડું ચાલ્યું.

સ્મશાન સામેના નાલા પર ચડીને મેં દૂર ને દૂર જતા ગાડામાં મામાને નાના ને નાના થતાં જોયા, છેવટે એક વળાંક પાસેથી ગાડા સહિત એ પણ ભૂતની જેમ અદ્રશ્ય થઇ ગયા.


0 comments


Leave comment