૯ બેનીના કંઠમાં / મનોહર ત્રિવેદી


બેનીના કંઠમાં હાલરડાં હોય અને ચપટીમાં ઝીણકુડી ચૂંટી
ચુંદડીમાં સંતાડી રાખેલી હોય છતાં સુખડીની એક જડીબુટ્ટી

મારી નિરાંત હતી ઝાઝેરાં રુસણાં
ને એની મિરાંત બેઉં હોઠ
એક પછી એક એ તો ઠાલવતી જાય
રૂડી વારતાની વણઝારી પોઠ
ખૂટી ના વાવ એમ રાણીનાં ઝાંઝરની ઘૂઘરી ના આજ લાગી તૂટી

ગાગરથી ઊલેચે તળનાં ઊંડાણ
ચડે ઠેશ મહીં ડુંગરની ધાર
પછવાડે આવીને કેડીએ નીરખ્યું
આ ફળિયાને લીલુંકુંજાર

જળનાં ટીપાંમાં જાય મ્હોરી પતંગિયાં કે ફૂલોને પાંખ જતી ફૂટી ?

દાણાની મશે એ તો કલબલતા ચોકમાં
ખોબો ભરીને વેરે વ્હાલ
ઓચિંતા જાણે પારેવાની ચાંચમાં
મેં ઊઘડતી દીઠી ટપાલ

ઘોડે ચડીને કિયો પરદેશી આવ્યો : મારો પરીઓનો દેશ ગયો લૂંટી ?
બેનીના કંઠમાં હાલરડું હોય અને ચપટીમાં ઝીણકુડી ચૂંટી
*

૦૪-૦૨-૨૦૦૨ / સોમ