૧૬ હોંશે શણગાર સજ્યા / મનોહર ત્રિવેદી


હોંશે શણગાર સજ્યા ભીંતે
બાયુંના કંઠમાંથી ઊડીને પંખીએ તોરણને ઝુલાવ્યાં પ્રીતે
વ્હેલી સવારથી જ હકડેઠઠ ડાયરા
ડેલીમાં દોમદોમ ભરાશે
વરનો આ બાપ હવે પાઘડીના આંટાની
બ્હાર ભર્યોભાદર્યો કળાશે

મે’માનું જોઈ એના બત્રીશે કોઠામાં છલકે ઉમંગ ભલી રીતે
ઊઘલતી જાન વાંસે તડકાઓ હોય ભલે
વેવાઈ ઊભા લઈ છાંય
ઊંચી અટારીએ સૌયરના ઘેરામાં
છાનુંછાનું કોઈ મલકાય
મીઠી બોલાશ એવી ચારે પા ઊછળે કે કોણ અહીં હારે કે જીતે ?
હોંશે શણગાર સજ્યા ભીંતે
*

૦૪-૦૪-૨૦૦૦ / મંગળ