૨૦ મેંદી લઈને... / મનોહર ત્રિવેદી


મેંદી લઈને હથેળિયુંમાં નમણાં મૂકે ફૂલ સખીરી
ઘડી કુંવારું શમણું લાગે, ઘડીક આંખની ભૂલ સખીરી

ચૂંટી ભરતી પડખામાં ને ધીમે રહીને પૂછે :
આવાં મૂંગાં થૈ જાવાનું કારણ કહેને, શું છે ?

જરી શરમને રાખ સાચવી પ્રીતમ કરશે મૂલ, સખીરી

મને નિરાંતે ચીડવવાનું મળ્યું મધુરું કામ
પાંખડીઓની વચ્ચે મૂક્યું વ્હાલમજીનું નામ

ગયા જનમનાં વેર વાળતી આમ કરી વ્યાકુલ, સખીરી
હવે સહ્યું ના જાય : ન જાણું કિયા કારણે થાક
દૂર તમારો દેશ ને એમાં આવે કૈંક વળાંક

રાધા જેવું હુંય માગતી પગ પાસે ગોકુલ, સખીરી
મેંદી લઈને હથેળિયુંમાં નમણાં મૂકે ફૂલ, સખીરી
*

નાતાલ ૨૦૧૦
(ઈશિરા – મૌલિક શાહ તથા નીરજ પરીખ માટે )0 comments