૫૩ - રાતદિવસ ગોખલે રહી-રહીને / ઉદયન ઠક્કર


રાતદિવસ ગોખલે રહી-રહીને તુલસીદલ સડ્યાં
બે જ પળ મૂકી દીધાં તડકે, ટપોટપ ઊઘડ્યાં !

બાવડું ચલવે હથેળી ? કે હથેળી બાવડું ?
કેટલા સ્હેલા સવાલો ! જોશીને ના આવડ્યા...

મંગળા ત્રણસો, શયન સો, દોઢસોમાં રાજભોગ;
આપને ઠાકોરજી બહુ વાજબી ભાવે પડ્યા...

જો કહો તો આંગળી વાઢીને અજવાળું કરું
આશકા લઈ હાથ ધોઈ નાખતાં ના આવડ્યા

કુંડળી જોવાને ત્યારે કોણ રોકાયું હતું ?
મેષ ને મંગળ ધનુષ ભેગા જ ભાંગીને પડ્યા

હું હજીયે એકડા પર એકડો ઘૂંટ્યા કરું
આપને તેંત્રીસ કોટી કેવી રીતે આવડ્યા ?

સૌ કોઈ પરસાદના પડિયાઓને જોતાં હતાં
એ જ ટાણે, એક પળ માટે જ, દર્શન ઊઘડ્યાં


0 comments


Leave comment