૪૬ આપણો ઉમંગ / મનોહર ત્રિવેદી


આપણો ઉમંગ એવો હોય મારા ભાઈ,
હો જી આપણો ઉમંગ એવો હોય મારા ભાઈ

પેલા ઝાડને કહો કે ચાલ ઝૂલવા....
સૂતેલાં નીડ પોતે ફફડાવે પાંખો ને આભને યે મંન થતું ઊડવા....

શિશિરની સ્હેજ ફૂંક વાગતાં જ મારગના કેરડામાં મ્હોરે છે ફૂલ
વાયરાયે અહીંથી ત્યાં રઝળીને સીમ મહીં ફોરમના રચી દિયે પુલ

તીરખીએ-તીરખીએ રંગોના વહેળાઓ એક પછી એક લાગે ફૂટવા...

ડાળમાં ટાંગેલ એક ઝોળીના રુદનને સાંભળતાંવેંત દોડે મા
છાતીમાં ધાવણ ઊભરાય એવી વેળાને શું કહેશો : કામ કે પૂજા ?

ખૂલે છે ફીણફીણ બાળકના હોઠ : બંધ દિશાઓ માંડે ત્યાં ખૂલવા...
*

૨૬-૧૦-૨૦૦૬ / બુધ0 comments