૪૯ લહેરખીને થયું / મનોહર ત્રિવેદી


લહેરખીને થયું: મને ઝીણકુડી - ઝીણકુડી ફૂટી છે ફોરમની પાંખો
નજરુંની પીંછીથી પાડી દઉં ભાત્ય મારી ફરશે જ્યાં ભેજભરી આંખો

આમ જરી જોઉં ત્યાં તો પાંદડીએ પાંદડીએ ઝાકળના ઝળહળતા દીવા
છાંયડાને આછેરું અડકી ત્યાં આલ્લે લે ! ડાળખીની નમી જતી ગ્રીવા

તડકાઓ સાતસાત રંગ લઈ આવ્યા: મેં ઝાડમહીં ઝુલાવી શાખો

પંખીના કંઠે હું ઘુંટીઘુંટીને કાંઈ ટહુકાની પૂરું રંગોળી
થૉરની રૂંવાટી પર દોરું પતંગિયાં તો આખ્ખીયે સીમ જશે કૉળી

સાંજઢળી જાય છતાં મારા આકાશનો આ પડશે અજવાસ નહીં ઝાંખો
લહેરખીને થયું મને ઝીણકુડી – ઝીણકુડી ફૂટી છે ફોરમની પાંખો
*

૨૪-૦૬-૨૦૦૬ / સોમ0 comments