૫૩ અમારી વ્હેજો એવી પળ / મનોહર ત્રિવેદી


અમારી વ્હેજો એવી પળ
હરિવર ! દેજો એવી પળ

હિમાદ્રિથી વહેતું જેવું નિર્મલ ગંગાજલ...

કોઈ વાટમાં મળે તો એને દઈએ ભીનું સ્મિત
થાય ઊલટ તો હોઠે રમતું કરિયેં ગમતું ગીત

જેમ સવારે ઝરે ડાળથી ફળિયામાં ઝાકળ....

હાથ મળે ત્યાં હેત-હેત ને આંખ મળે ત્યાં મેળા
હૃદય મળે ત્યાં ઉત્સવ-ઉત્સવ એ જ આરતીવેળા

આગળ ઝળહળ અજવાળાં હો, અંધારાં પાછળ....

કાંટાની વચ્ચે ઊઘડતાં મોં મલકાવી ફૂલ,
ગૂંથી લઈશું અમે સુગંધે થતાં કોઈની ભૂલ

પંખી નભમાં જાય પરોવી કલરવની સાંકળ....
*

૦૯-૦૬-૨૦૦૫0 comments