૫૫ પ્રાર્થના – ૧ / મનોહર ત્રિવેદી


નમું – નમું હે સીમ !
ખુંદે ખોળો સદાય આંબા થૉર કે બાવળ નીમ

સવાર હોય, મધ્યાહન હોય
કે સાંજ : કશો ના ભેદ
તારામાં વાંચું છું મા, હું
ઉપનિષદ્ ને વેદ

તારામાં તમરાંની ત્રિમત્રિમ શ્રાવણની રિમઝિમ

પગને તું પગદંડી આપે
રાહીને દે રાહ
થાકેલાને ધરી છાંયડી
ક્ષણમાં ઠારે દાહ

અમે કહીએ સીમ પરંતુ તારો સ્નેહ અસીમ

પંખી ઝરણાં ટેકરીઓ ને
દીધાં વૃક્ષ તળાવ
દશે દિશાઓ કરી ઉઘાડી
કહ્યું દૂરથી : આવ

પૂર્વ પ્રભાતે: સાંધ્યઆરતી કરે એમ પશ્વિમ
*

૦૩-૦૮-૨૦૦૭ / સોમ0 comments