૬૧ સાયાજી / મનોહર ત્રિવેદી


હે જી પૂછતલ આવ્યા સાયાજીની ધૂણીએ
અવધૂ બોલ્યા નંઈ કાંઈ
ઊંચક્યાં ચલમેથી લગરીક પોપચાં
ધૂંઆ દેખ, કેણી કોર્ય જાય

દમ રે લીધો ને અજવાળાં થિયાં
વ્રેમંડ માલી પા કળાય
પોતે રે બેઠા ને ચાલે ઈની ચાખડી
દશે દ્રશ્ય પડછંદા થાય

હે જી પૂછતલ આવ્યા સાયાજીની ધૂણીએ

કોણ રે અગનાની વીરા, કોણ જાણતલ
જોગીડાની સોબતે સમજાય
ભેદ ઇ ભાળે તો પલટે રાખમાં
નીરખો તો અળગું ના ક્યાંય

હે જી પૂછતલ આવ્યા સાયાજીની ધૂણીએ
*
૧૮-૦૭-૨૦૦૮ / શુક્ર