૬૩ જલમભોમકા / મનોહર ત્રિવેદી


મારું હિરાણું આખ્ખું હુંફાળવું
નાની આંખોને એણે પ્હેલવેલ્લું દીધું’તું વિસ્મયનું તાજું ભળભાંખળું

મારી રુઆબભરી પગલીને ઝીલતી બેચર આતાની એક ડેલી
આજે પણ જોઉં મારી ભોળકુડી વાણીની લચી હતી મઘમઘતી વેલી

રોણાંને રુસણાંને શેરીની ધૂળ હજી જોતી લાગે છે હેતાળવું

આડોશીપાડોશી વેઠે ઉજાગરાને પોતીકી કીધેલી પીડા
દૂધિયા બે દંતુડી નીરખવા, ચપટીથી ઉડાડ્યાં જુઠાં પંખીડાં

કોનાં રે હાડ આમ થીજ્યાં’તાં જોઈ મારું તાવથી જ્યાં ધીખેલું તાળવું

નસનસમાં કાળુભાર બે કાંઠે : શ્વાસ મારા ઝાડમાંથી વ્હેતો કલશોર
ઊછળે છે છાતીમાં દુહા ને ડાયરા ને ધોરીનાં શિંગડાંનો તૉર

જોઈ મને ઓછીઓછી થાતી આ સીમ, એનું ક્હેણ કહો, પાછું શેં વાળવું !
*
૨૪-૦૭-૨૦૦૭ / શુક્ર