૭૪ ડાળે ડાળે ડૂંખ / મનોહર ત્રિવેદી


મહા મહિનાએ સાદ કર્યો ત્યાં ડાળે – ડાળે ડૂંખ હો સૈયર
કહ્યું કાનમાં કશુંક વાયરે : થાય રતુંબલ મુખ હો સૈયર

અછવાડે-પછવાડે વળતી ટેકરીઓમાં કેડી રે
કોયલના કંઠેથી તૂટી કાંઈ રેશમી બેડી રે

ભરી સીમની કેસૂડાંથી કોણ ખાલી કૂખ હો સૈયર

જાવ ભલે ઉગમણે કે જાવ ભલે દખણાદા રે
નૈં વંડી નૈં કમાડ આડાં નૈં નડશે મરજાદા રે

રૂંવે-રૂંવે રંગ-છોળ્ય : ઊઘડતાં જોબનસુખ હો સૈયર

નજરું નીચે કરો જરી તો પગે પૂગતી નદીયું રે
છુટ્ટા મેલી વાળ નાહી લ્યો ક્યાં માગે છે ફદિયું રે

ઘર-આઘેરાં થિયાં તો કેવાં ખરી ગિયાં સૌ દુઃખ હો સૈયર
મહા મહિનાએ સાદ કર્યો ત્યાં ડાળે – ડાળે ડૂંખ હો સૈયર
*
૦૬-૦૩-૨૦૦૮ / ગુરુ0 comments